નવી દિલ્હીઃ આગામી મહિને યુએઈમાં રમાનાર ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને નવો કોચ મળવા જઈ રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રવિ શાસ્ત્રી પોતાનો કરાર વધારવા માંગતા નથી. એટલું જ નહીં, BCCI એ પણ ટીમ ઈન્ડિયા માટે નવા કોચની શોધ શરૂ કરી દીધી છે.
રવિ શાસ્ત્રી હાલમાં 59 વર્ષના છે. કરાર વધારવામાં આવે તો પણ રવિ શાસ્ત્રી આગામી કેટલાક મહિનાઓ સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહી શકે છે. સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, બીસીસીઆઇએ રવિ શાસ્ત્રીને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે કરાર વધારવાની ઓફર કરી હતી. રવિ શાસ્ત્રીએ જોકે તેમનો કરાર વધારવાનો ઇનકાર કર્યો છે.
રવિ શાસ્ત્રી છેલ્લા સાત વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલા છે. 2014 માં રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયા સાથે ડિરેક્ટર તરીકે જોડાયેલા હતા. જોકે 2016 માં અનિલ કુંબલેના કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીને એક વર્ષ સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેવું પડ્યું હતું. વિરાટ કોહલીની પહેલી પસંદ હોવાથી રવિ શાસ્ત્રી 2017 માં ટીમ ઇન્ડિયામાં કોચ તરીકે પરત ફર્યા.
ટીમને નવા કોચ મળશે
રવિ શાસ્ત્રી અગાઉ 2019 વનડે વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના કોચ હતા. રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું સારું હતું અને તેનો કરાર 2021 ટી 20 વર્લ્ડ કપ સુધી વધારવામાં આવ્યો હતો.
રવિ શાસ્ત્રી બાદ કોચ બનવાની રેસમાં રાહુલ દ્રવિડનું નામ મોખરે જણાવવામાં આવી રહ્યું હતું. શ્રીલંકા પ્રવાસમાં દ્રવિડે કોચની ભૂમિકા ભજવ્યા બાદ આ ચર્ચા વધુ તીવ્ર બની હતી. પરંતુ આવી માહિતી સામે આવી છે કે દ્રવિડ હાલમાં ભારતના પૂર્ણકાલીન કોચ બનવા માટે તૈયાર નથી. જોકે, ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાને ટી 20 ફોર્મેટમાં નવા કોચ અને નવા કેપ્ટન મળવાની ખાતરી છે.