નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 291 રન બનાવવાની જરૂર છે, જ્યારે ભારતને હરાવવા માટે 10 વિકેટ લેવી પડશે. બેટિંગ કોચ વિક્રમ રાઠોડ માને છે કે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ટીમના ડાબા હાથના સ્પિનર રવિન્દ્ર જાડેજા ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
ચોથા દિવસે છેલ્લા સેશન દરમિયાન, જાડેજા કેટલીક તકો બનાવતો જોવા મળ્યો હતો. રાઠોડે કહ્યું, “મને લાગે છે કે જાડેજા છેલ્લા દિવસે મહત્વની ભૂમિકા ભજવશે કારણ કે પાંચમા દિવસે પીચ સ્પિનરો માટે મદદરૂપ બની શકે છે. તે સારી બોલિંગ કરે છે. જાડેજા નિયંત્રણમાં બોલિંગ કરે છે, છેલ્લી 5-6 ઓવરમાં તેણે ઘણી તકો બનાવી છે.”
રાઠોડે જાડેજાને ખૂબ મહત્વનો ગણાવ્યો છે. તેણે કહ્યું, “જો નસીબ પાંચમા દિવસે સાથ આપે તો આ તકો વિકેટ મેળવી શકે છે. આ કારણોસર જાડેજા મહત્વની ભૂમિકા ભજવશે. તેના સિવાય મધ્યમ ઝડપી બોલરોને પણ વધુ સારું કરવું પડશે.”
ઇંગ્લેન્ડને 99 રનની લીડ મળી
તમને જણાવી દઈએ કે ઓવલ ટેસ્ટમાં ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પહેલા બેટિંગ માટે બોલાવ્યું હતું. ભારતે પ્રથમ દાવમાં 191 રન બનાવ્યા હતા. જોકે ઈંગ્લેન્ડ ભારત સામે સારો દેખાવ કરવામાં સફળ રહ્યું અને 290 રન બનાવ્યા. આ રીતે ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 99 રનની લીડ મળી હતી.
ભારતે બીજા દાવમાં શાનદાર વાપસી કરી હતી. રોહિત શર્માની સદી બદલ ભારતે પોતાની બીજી ઇનિંગમાં 466 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગમાં કોઈ પણ નુકશાન વિના 77 રન બનાવ્યા હતા.