રાજકોટ ના મોચીબજારમાં કોર્ટ નજીક સાઇડ તોડીને ભાગેલા રિક્ષા ચાલકને ટ્રાફિક પોલીસ કર્મચારી એ અટકાવતા રિક્ષા ચાલક ગુસ્સે થઈ ગયો હતો અને પોલીસમેનને પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી લાફો ઝીંકી દેતા ઉપસ્થિત લોકો જોતા જ રહી ગયા હતા.
વિગતો મુજબ રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ નિલેશભાઇ મનસુખભાઇ વાવેચા સહિતનો સ્ટાફ ગુરૂવારે સવારે મોચીબજારમાં કોર્ટ પાસે ટ્રાફિક નિયમનની કામગીરી બજાવી રહ્યા હતા તે દરમિયાન ભગવતીપરામાં રહેતો રિક્ષાચાલક મહેબુબ ઇબ્રાહિમ ઉઢેજા સાઇડ બંધ હોવા છતાં તે રિક્ષા હંકારી સાઇડ તોડી ભાગતા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર રિક્ષાચાલક મહેબુબનો પોલીસમેન નિલેશભાઇ સહિતના સ્ટાફે પીછો કરી રિક્ષા ઊભી રખાવતા જ રિક્ષાચાલક મહેબુબ ઉશ્કેરાયો હતો અને પોલીસમેન નિલેશભાઇને ગાળો દઈ પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી પોલીસમેન નિલેશભાઇને ફડાકો ઝીંકી દીધો હતો.
સરાજાહેર પોલીસમેનને લાફો ઝીંકાતા ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસ સ્ટાફે મહેબુબને સકંજામાં લઇ પોલીસ મથકે લઇ ગયા હતા. એ.ડિવિઝન પોલીસે કોન્સ્ટેબલ નિલેશભાઇની ફરિયાદ પરથી મહેબુબ ઉઢેજા સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
