સિઝનની અંતિમ મેજર ટૂર્નામેન્ટની ફાઇનલમાં બેલ્જિયમના ડેવિડ ગોફિનને બે કલાક અને ૩૨ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૭-૫, ૪-૬, ૬-૩થી પરાજય આપી વિશ્વના છઠ્ઠા ક્રમાંકિત બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવે ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે. આ મેચ જોવા માટે લંડનના ર્ં૨ અરેના ખાતે મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. ATP ફાઇનલ્સની આ ચેમ્પિયનશિપમાં દિમિત્રોવે પાંચ મેચ રમી હતી અને તેણે દરેક મેચમાં જીત મેળવી હતી. ફાઇનલ પહેલા લીગ રાઉન્ડમાં તેનો મુકાબલો ગોફિન સામે થયો હતો જ્યા તેણે ગોફિનને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આ જીતના કારણે દિમિત્રોવ વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
પોતાની કારકિર્દી દરમિયાન માટા ભાગે પ્લે બોય તરીકે જાણીતો બનેલ દિમિત્રોવ ATP ફાઇનલ્સમાં મળેલી સફળતાની મદદથી પોતાની કારકિર્દીને વળાંક આપવાનો પ્રયાસ કરશે. સેરેના વિલિયમ્સ, મારિયા શારાપોવા જેવી ટેનિસ ખેલાડીઓ સાથે નામ જોડાયા બાદ તેણે આ જીત માટે પોતાની હાલની ગર્લ ફ્રેન્ડ નિકોલને પણ ક્રેડિટ આપી હતી. મેચની સમાપ્તિ બાદ દિમિત્રોવે જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડીયામાં મને મળેલી સફળતા માટે હું મારી ગર્લ ફ્રેન્ડનો પણ અત્યંત આભારી છું. પોતાની કારકિર્દીમાં દિમિત્રોવ ક્યારેય કોઇ પણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો નથી. જે અંગે તેણે જણાવ્યું હતું કે મારો મુખ્ય ધ્યેય ગ્રાન્ડ સ્લેમ જીતવાનો છે. ATP ફાઇનલ્સના ઔઇતિહાસમાં આ પ્રથમ એવી મેચ હતી કે જેના બંને ફાઇનાલિસ્ટોએ એક પણ ગ્રાન્ડ સ્લેમ જીત્યું નહોતું. દિમિત્રોવે અત્યાર સુધી કુલ આઠ ટાઇટલ જીત્યા છે જે પૈકી સૌથી વધુ ચાર ટાઇટલ આ વર્ષે જીત્યો છે.