નવી દિલ્હી : ભારતની નંબર વન મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વિનેશ ફોગાટે રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ટ્રાયલ અધવચ્ચે છોડી દીધી છે. વિનેશ ફોગાટની પિતરાઇ બહેન સંગીતાએ જોકે 62 કિલોગ્રામ વર્ગમાં પુનરાગમન કરીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે.
વિનેશ ફોગાટને ટોક્યો ઓલિમ્પિક બાદ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ચેતવણી આપ્યા બાદ વિનેશનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. પરંતુ વિનેશ ફોગાટ ટ્રાયલ દરમિયાન ફોર્મમાં દેખાઈ ન હતી. વિનેશે પ્રથમ મેચમાં અંજુને 10-5થી હરાવી હતી. આ પછી, તે પિંકી સામે ત મેટ પર ઉતરી ન હતી, જેના કારણે પિંકીને 2 થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ચેમ્પિયનશિપમાં ટીમમાં સ્થાન મળ્યું હતું.
વિનેશ કહે છે કે તેનું શરીર હવે પહેલા જેવું રહ્યું નથી. વિનેશે કહ્યું, મને ખબર નથી કે મને શું થયું છે. નુકસાન થયું નથી પણ મને ચક્કર આવી રહ્યા હતા. મારું શરીર પહેલા જેવું નથી. હું ડોક્ટરને બતાવું છું. કદાચ કોરોના સંક્રમણની અસર શરીર પર પડી હશે.
સાક્ષી મલિક હારી ગઈ
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાની પત્ની સંગીતા ઘૂંટણના બે ઓપરેશન બાદ મેટ પર આવી હતી અને તેણે શાનદાર વિજય નોંધાવ્યો હતો. તેણે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા સંજુ દેવીને હરાવી અને પછી મનીષાને 9-5થી હરાવી. બજરંગ મેચ દરમિયાન કોચ કોર્નર પર ઉભો હતો.
ઘૂંટણના ઓપરેશનને કારણે સંગીતા 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી શકી નહોતી. ત્યારબાદ 2019 માં તેના ડાબા ઘૂંટણનું પણ ઓપરેશન કરવામાં આવ્યું. સંગીતાએ કહ્યું, “મારા પિતા મહાવીર ફોગાટે મને કુસ્તી શીખવી અને હવે બજરંગ પ્રેરણા અને સલાહ આપવાનું ચાલુ રાખે છે.”
આ જ 62 કિલો વર્ગમાં મનીષાએ રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને હરાવી હતી.