નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકથી ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ સમાચારોમાં છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ વિનેશ ફોગાટને શિસ્તભંગની કાર્યવાહી કરીને કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી સસ્પેન્ડ કરી દીધી હતી. જોકે, વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) પાસે માફી માંગી છે. પરંતુ વિનેશ ફોગાટને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે WFI પાસેથી પરવાનગી મળવાની શક્યતા ઓછી છે.
વિનેશ ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઈ હતી. વિનેશે માત્ર તેના સાથી ખેલાડીઓ સાથે રહેવાનો ઇનકાર કર્યો હતો એટલું જ નહીં પણ ટુર્નામેન્ટ દરમિયાન તેમની સાથે ટ્રેનિંગ પણ નહોતી કરી. આ સાથે, વિનેશે ભારતીય ટીમના સત્તાવાર પ્રાયોજકને બદલે ખાનગી પ્રાયોજકના નામે સિંગલેટ પહેર્યું હતું, જેના કારણે તેને ડબલ્યુએફઆઈ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી.
તેના સસ્પેન્શનના એક દિવસ પછી, વિનેશે ગેમ્સ દરમિયાન તેના શારીરિક અને માનસિક સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેની પાસે તેના અંગત ફિઝીયોની સેવાઓ નથી. 26 વર્ષીય કુસ્તીબાજે શુક્રવારે ડબલ્યુએફઆઈ દ્વારા તેને મોકલવામાં આવેલી નોટિસનો જવાબ આપ્યો હતો. આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રે જણાવ્યું હતું કે, “WFI ને જવાબ મળ્યો છે અને વિનેશે માફી માંગી છે.”
પરંતુ માફી માંગવા છતાં વિનેશ ફોગાટનું સસ્પેન્શન ચાલુ રહી શકે છે. આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “માફી માંગવા છતાં, તેને વિશ્વ ચેમ્પિયનશિપ માટે મુસાફરી કરવાની મંજૂરી નહીં મળે તેવી ઉચ્ચ સંભાવના છે.”
WFI આનાથી ખુશ નથી
ડબલ્યુએફઆઈ જે રીતે ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ અને જેએસડબલ્યુ જેવી ખાનગી રમત એનજીઓ કામ કરી રહી છે તેનાથી ખુશ નથી. આ સંસ્થાઓ કુસ્તીબાજો સહિત ઘણા ભારતીય રમતવીરોને સ્પોન્સર કરે છે. WFI માને છે કે આ સંસ્થાઓ તેમને બગાડી રહી છે.
ડબલ્યુએફઆઈએ કહ્યું છે કે તે તેમને ભવિષ્યમાં વરિષ્ઠ કુસ્તીબાજોની બાબતોમાં દખલગીરી કરવા દેશે નહીં. વિનેશને OGQ અને બજરંગ પુનિયાને JSW નું સમર્થન છે. એવું પણ જાણવા મળ્યું છે કે સોનમ મલિકે, જેણે તેના વર્તન માટે માફી માંગી છે, તેને 2 થી 10 ઓક્ટોબર દરમિયાન નોર્વેમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ટ્રાયલમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે.
સૂત્રએ એમ પણ કહ્યું કે દિવ્યા કાકરાનને પણ ટ્રાયલમાં હાજર થવાથી રોકી શકાય છે. તેણીને ત્રણ મહિના પહેલા ખરાબ વર્તન માટે નોટિસ પણ આપવામાં આવી હતી, તે 68 કિલો વર્ગમાં સ્પર્ધા કરે છે. WFI 16 અથવા 17 ઓગસ્ટે ત્રણેય કુસ્તીબાજોનું ભાવિ નક્કી કરશે.