નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય જેવલીન થ્રોઅર નીરજ ચોપડા પર પુરસ્કારની વર્ષા થઈ રહી છે. હરિયાણા સરકારે પાણીપતના આ સ્ટાર ખેલાડીને 6 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમને રાજ્ય સરકાર તરફથી વન કેટેગરીની નોકરી પણ મળશે. હરિયાણા સરકાર ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચેમ્પિયન ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સે નીરજ ચોપડાને 1 કરોડ રૂપિયાની મોટી ઈનામી રકમ આપવાની જાહેરાત કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે નીરજ ચોપડા માટે આદર અને સન્માનની નિશાની તરીકે CSK નીરજને 1 કરોડ રૂપિયાનું પુરસ્કાર આપી રહી છે.
આ સિવાય CSK એ નીરજના સન્માનમાં ખાસ જર્સી નંબર 8758 બનાવવાની પણ જાહેરાત કરી છે. હકીકતમાં, આ ભારતીય ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં 87.58 મીટરની વિશાળ બરછી ફેંકીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. ભારત માટે વ્યક્તિગત રીતે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ભારતનો બીજો ખેલાડી છે. નીરજ પહેલા અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો.
https://twitter.com/ChennaiIPL/status/1424041677946167312
ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રવક્તાએ કહ્યું કે સમગ્ર દેશને નીરજ પર ગર્વ છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેમનું પ્રદર્શન લાખો ભારતીયોને આ રમત માટે પ્રેરણા આપશે. રમતના કોઈપણ શિસ્તમાં ઉચ્ચતમ સ્તર પર સ્પર્ધા કરવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે તેમનામાં આત્મવિશ્વાસ પેદા કરશે. નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચ્યો છે.