નવી દિલ્હી : ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020 ની પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલો વર્ગની કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેણે એકતરફી મુકાબલામાં કઝાકિસ્તાનના ડૌલેટ નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો. આ સાથે ભારતના મેડલની સંખ્યા 6 થઈ ગઈ છે, જે 2012 ની લંડન ઓલિમ્પિકની બરાબર છે.
બંને કુસ્તીબાજો પ્રથમ રાઉન્ડમાં આક્રમક દેખાતા હતા. જોકે, બજરંગે ચાલાકીપૂર્વક બે પોઈન્ટ લઈને 2-0ની લીડ મેળવી હતી. જ્યારે બીજા રાઉન્ડમાં મેચ શરૂ થઈ ત્યારે બજરંગ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે વિપક્ષી કુસ્તીબાજને બિલકુલ તક આપી ન હતી. પૂનિયાએ સળંગ 2, 2, 2 પોઈન્ટ લઈને 8-0ની લીડ મેળવી હતી. પોઈન્ટના આધારે તેને વિજેતા જાહેર કરાયો હતો.
ટોક્યો ઓલિમ્પિકની યાત્રા
આ પહેલા બજરંગ પુનિયાને સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેનું ગોલ્ડ અને સિલ્વર જીતવાનું સપનું અધૂરું રહી ગયું. પૂનિયાને અઝરબૈજાની કુસ્તીબાજ હાજી અલીએવ સામે 5-12થી હારનો સામનો કરવો પડ્યો. તમને જણાવી દઈએ કે બજરંગે કિર્ગીસ્તાનના અર્નાઝર અકમતાલીવને હરાવીને સફરની શરૂઆત કરી હતી. આ પછી, ક્વાર્ટર ફાઇનલમાં, તેણે અનુભવ અને કુશળતાનો ઉત્તમ ઉપયોગ કરીને ઈરાનના મોર્તઝા ચેકા ગિઆસી સામે વિજય નોંધાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ટોક્યોમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓ
- વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ: મણિપુરની 26 વર્ષીય વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 202 કિલો (87 કિલો + 115 કિગ્રા) ઉંચકીને મહિલાઓના 49 કિગ્રામાં સિલ્વર જીત્યો.
- બોક્સર લવલીના બોરગોહેન: ભારતની સ્ટાર બોક્સર લોવલીના બોરગોહેનને તુર્કીની ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલી સામે મહિલા વેલ્ટરવેઇટ (69 કિગ્રા) સેમિફાઇનલમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
- શટલર પીવી સિંધુ: સિંધુએ મહિલા બેડમિન્ટનના સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણીએ ચીનની હી બિંગ શિયાઓને 2-0થી હરાવી હતી. ઓલિમ્પિકમાં આ તેમનો રેકોર્ડ બીજો મેડલ હતો.
- કુસ્તીબાજ રવિ દહિયા: ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા ફાઇનલમાં રશિયા ઓલિમ્પિક સમિતિ (આરઓસી) ના ઝાયુર ઉગાયેવ સામે 4-7થી હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
- પુરુષોની હોકી ટીમ: ભારતની પુરુષ હોકી ટીમે જર્મનીને 5-4થી હરાવીને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો. 1980 પછી આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે હોકીમાં મેડલ જીત્યો હોય.
- કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020 ની પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલો વર્ગની કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.