નવી દિલ્હી : ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ રવિવારે ચીનની બિંગ ઝીયાહોને હરાવીને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સિંધુ બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની છે. સિંધુએ આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને પ્રથમ ગેમમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પોતાની પકડ મજબૂત કરી હતી. આ પછી, તેણે બીજી ગેમમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મેડલ જીત્યું. સિંધુએ 52 મિનિટ સુધી ચાલેલી મેચમાં ચીની ખેલાડી બિંગને 21-13, 21-15થી હરાવી હતી.
સિંધુની આ બીજી ઓલિમ્પિક હતી. સિંધુએ રિયોમાં પદાર્પણ કર્યું અને સિલ્વર મેડલ જીત્યું. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર કુસ્તીબાજ સુશીલ કુમાર બાદ સિંધુ બીજી ભારતીય ખેલાડી છે. સુશીલે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે આ બીજો મેડલ છે.
શનિવારે પીવી સિંધુ સેમી ફાઇનલ મેચ જીતી શકી નહોતી, જેના કારણે તેનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. જોકે તેને સેમિફાઇનલમાં હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળી હતી, જેનો તેણે ફાયદો ઉઠાવ્યો હતો. તેની જીતથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છે.