નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું શૂટિંગ પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ભારતને ત્રણ ઇવેન્ટમાં મનુ ભાકર પાસેથી મેડલની અપેક્ષા હતી. પરંતુ મનુ ભાકર કોઇ પણ ઇવેન્ટની ફાઇનલમાં ક્વોલિફાય થઇ શકી ન હતી. મનુ ભાકરે તેના ખરાબ પ્રદર્શન પર મૌન તોડ્યું છે અને હારનો ટોપલો ભૂતપૂર્વ કોચ જસપાલ રાણા પર ઢોળ્યો છે.
મનુ ભાકર ટોક્યોથી ભારત પરત ફરી છે. મનુ ભાકરનું કહેવું છે કે તે વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે અને 25 મીટર સહિત ત્રણેય ઇવેન્ટમાં રમવાનું ચાલુ રાખશે. મનુ ભાકરે દાવો કર્યો છે કે તે પ્રથમ ઓલિમ્પિકમાં નિરાશાજનક પ્રદર્શનથી મજબૂત વાપસી કરશે.
મનુ ભાકરે કહ્યું કે, પૂર્વ કોચ જસપાલ રાણા સાથેના વિવાદને કારણે ઓલિમ્પિક માટેની તેની તૈયારીઓ પ્રભાવિત થઈ હતી. રાણાએ તેમને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચવા કહ્યું હતું. મનુ ભાકરે સ્પષ્ટ કર્યું છે કે તે 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં રમવાનું ચાલુ રાખશે.
મનુ ભાકરે કહ્યું કે તેમની નકારાત્મકતા અને રાણા સાથેના ઝઘડા સિવાય, દરેક કિંમતે મેડલ જીતવાની તેમની ઇચ્છાએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી. મનુએ કહ્યું કે તેમને વારંવાર કહેવામાં આવ્યું કે 25 મીટરની ઇવેન્ટમાંથી ખસી જાવ.
મનુ ભાકર વધુ સારી કામગીરીનો દાવો કરે છે
મનુએ મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપ દરમિયાન ટોક્યો ઓલિમ્પિકનો આ ક્વોટા હાંસલ કર્યો હતો. તેમણે કહ્યું, “ત્યાં નકારાત્મકતા હતી કારણ કે મારા માતાપિતાને પણ આ સમગ્ર મામલામાં સામેલ કરવાની ફરજ પડી હતી. નકારાત્મકતાને કારણે, મને પૂછવામાં આવ્યું કે ભોપાલમાં તાલીમ દરમિયાન મારી માતા મારી સાથે કેમ છે અને મારા પિતા કેમ સાથે છે?”
મનુ કહે છે કે જસપાલ રાણાએ તેમની સાથે રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવ્યો નથી. જોકે વિવાદ બાદ ભારતના પૂર્વ શૂટર રૌનક પંડિતને મનુ ભાકરના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મનુ ભાકરે જણાવ્યું હતું કે, “એનઆરએઆઈએ આ સમસ્યા ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો અને તેઓએ અમને વિશ્વાસમાં પણ લીધા હતા.”
મનુએ કહ્યું કે તેણે પ્રથમ ઓલિમ્પિકના અનુભવમાંથી ઘણું શીખ્યું છે જે ભવિષ્યમાં ઉપયોગી થશે. સ્ટાર શૂટરએ કહ્યું કે આ અનુભવ સાથે તે ભવિષ્યમાં વધુ સારી રીતે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકશે.