નવી દિલ્હી : ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરતા મેડલ તરફ વધુ એક પગલું આગળ ભર્યું છે. પીવી સિંધુએ આજે ગ્રુપ જેની તેની બીજી મેચમાં હોંગકોંગની ખેલાડી એનવાય ચુંગ સામે 21-9, 21-16થી સીધી જીત નોંધાવી હતી. આ સરળ જીતથી સિંધુ પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે.
પીવી સિંધુએ શરૂઆતથી જ આ મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવ્યું હતું. હોંગકોંગની ખેલાડી પાસે તેની શક્તિશાળી પરફોમન્સને તોડવાનો કોઈ જવાબ નહોતો. સિંધુએ પ્રથમ રમતને ફક્ત 15 મિનિટમાં 21-9ના અંતરાલથી સરળતાથી જીતી લીધી હતી. બીજી રમતમાં, એનવાય ચુંગે થોડો સંઘર્ષ દર્શાવ્યો અને એક તબક્કે તે સ્કોર 12-11 પર પહોંચાડ્યો.પરંતુ અંતે, સિંધુની કુશળતા અને તેજસ્વી રમતનો તેની પાસે કોઈ જવાબ નહોતો. સિંધુએ બીજી ગેમ અને મેચ 21-16થી જીતીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેની ટક્કર મિયા બ્લિકફેલ્દટ સામે છે.
સિંધુએ પ્રથમ મેચમાં ઇઝરાઇલની ખેલાડીને પરાજિત કરી હતી
રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સિંધુએ મહિલા સિંગલ્સમાં તેની પહેલી ગ્રુપ જે મેચમાં માત્ર 28 મિનિટમાં ઇઝરાઇલની કેસેનીયા પોલિકાર્પોવાને 21-7, 21-10થી હરાવી. આ વખતે આખો દેશ તેની પાસે ગોલ્ડ મેડલ લાવવાની અપેક્ષા રાખે છે.
આપને જણાવી દઈએ કે, ઓલમ્પિક બેડમિંટન ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર પીવી સિંધુ દેશની એકમાત્ર મહિલા ખેલાડી છે. તેણે 2016 રિયો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. એટલું જ નહીં, વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પાંચ મેડલ જીતનાર તે વિશ્વની બીજી ખેલાડી પણ છે.