સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લા માં ભારે વરસાદ પડ્યો છે અને અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે ધોરાજીનાં મોટી મારડ ગામમાં ગતરોજ રવિવારે 11 ઈંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર સર્જાતા ગામમાં આવેલો ચેકડેમ તૂટી ગયો હોવાના અહેવાલો છે, વિગતો મુજબ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં અંદાજે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે સંકટમોચન હનુમાન મંદિર પાસે આવેલ ચેકડેમ ઓવરફ્લો થતા તૂટી જતા ભારે ચિંતા પ્રસરી હતી અને સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું આ ઘટના બાદ લોકો ને સાવચેત કરી દેવાયા હતા. નોંધનીય છે કે સૌરાષ્ટ્રભરમાં બે દિવસથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા 35થી વધુ નદી- ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. અનેક ડેમોની સપાટીમાં પણ વધારો થયો છે. ભાદર, આજી, ફોફળ અને ન્યારી સહિત અનેક ડેમમાં પાણીની આવક થઈ છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર સ્થિતિ જોવા મળી હતી.
