રાજકોટ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ પડતા રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. ધોરાજીમાં સતત બીજા દિવસે સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. લોધિકામાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ફોફળ નદીમાં પાણીની આવકના કારણે લોધીકાથી કોઠા પીપળીયા અને લોધીકાથી ચાંદલી ગામનો રસ્તો હાલમાં બંધ થઈ ગયો હતો. રાજકોટના કાલાવડ રોડ પર વાગુદડ ગામે નદીમાં પૂર આવતા જળબંબાકાર સ્થિતિ ઉભી થઇ છે.
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોકથી બાપા સિતારામ ચોકમાં પાણી ભરાયા છે અને અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. જામકડોરણા પથંકમાં પવન સાથે વરસાદ પડતા જૂનાગઢ-જામનગર રોડ પર રાયડી પાસે પીપળાનું વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થતાં મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ દોડી જઈ રોડ પરથી વૃક્ષને દૂર કરી રોડ ફરી શરૂ કરાયો હતો.
રાજકોટ નજીક માધાપર પાસે આવેલા આજી-2 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા, બાધી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ પર અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.
પશ્ચિમ રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી 1 ડેમમાં બે ફૂટ નવા નીરની આવક થઈ હતી. આજી-1 ડેમમાં 1 ફૂટ નવા નિરની આવક થઈ. રાજકોટ જિલ્લાના મોતીસર ડેમ પણ ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો હતો. ખેડુતોના સિંચાઈ માટેના આ ડેમમાં બે દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે. જ્યારે ડેમના 17 દરવાજા પરથી પાણી વહી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા કોલીથડ, હડમતાળા સહિત પાંચ ગામોને પ્રસાશન દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાના પાટિયારી, મોટી મેંગણી, નાની મેંગણી સહિતના ગામડાઓમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ થવાના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ હતી.
ગોંડલ માં પણ ભારે વરસાદ પડ્યો છે કાલાવડ અને જામજોધપુર માં પણ ભારે વરસાદ ના વાવડ છે.