ગુજરાતમાં પાવાગઢ, ગિરનાર અને અંબાજીના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા છે. ગિરનાર ખાતે રોપ વે (Ropeway facility at Pavagadh)ની સુવિધા ગત વર્ષે જ શરૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમયે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ ઉઠ્યો હતો. જે બાદમાં રોપ વેનું સંચાલન કરતી કંપની તરફથી ભાડામાં નજીવો ઘટાડો કરાયો હતો. હવે પાવાગઢ ખાતે રોપ વેના ભાડામાં વધારો કરાયો છે. ઉષા બ્રેકો નામની કંપની પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરે છે. પાવાગઢ રોપવેની લંબાઈ 736 મીટર છે. જ્યારે ગિરનાર રોપ વેની લંબાઈ 2,320 મીટર છે.યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં ઉષા બ્રેકો કંપનીએ 29 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા અવરજવરની ટિકિટ પેટે 141 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં 29 રૂપિયાનો વધારો કરતા હવે ટિકિટનો ભાવ 170 રૂપિયા થયો છે. કંપનીએ 2019ના વર્ષમાં 116 રૂપિયામાંથી ભાડું વધારીને 141 રૂપિયા કર્યું હતું. હવે ફરીથી કંપનીએ ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં વધારો થતાં હવે રોપ વેમાં બેસીના માતાજીના દર્શન કરવા માંગતા ભક્તોએ વધારો ખર્ચ કરવો પડશે.
