રાજકોટ મનપા એ મેગા ડિમોલિશન હાથ ધર્યું છે અને વોર્ડ નં.13 સ્થિત ખોડિયારનગરમાં 80 મકાન ઉપર બુલડોઝર ફેરવી દેતા120 જેટલા પરિવારો ને વૈકલ્પિક જગ્યા નહિ મળતા રસ્તા ઉપર આવી ગયા છે. કોઈ અઇચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ ની મોટી ફોજ ઉતારી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ નો કાફલો જોડાયો છે. ખોડિયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. 80 મકાનમાં રહેતા 120 પરિવાર ની મહિલાઓ એ આક્રંદ કરી મૂક્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.13ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે 81 મકાનને નોટિસ આપવામાં આવી હતી, જેમાં 81માંથી 80 મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ કર્યો હતો, આથી બે દિવસ પહેલાં જ પોતાના ઘરને બચાવવાની માગણી સાથે લોકોનું ટોળું મનપા કચેરી ખાતે ઊમટી પડ્યું હતું. મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી, આથી લોકો મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલાં ટીપી સંદર્ભે નોટિસ પાઠવવામાં આવી હતી તેનો જવાબ પણ આપ્યો હતો. તેઓ ના કહેવા મુજબ ફાજલ જગ્યા મૂકી ટીપી રોડ કાઢવામાં આવ્યો છે. 80 મકાનમાં 120 પરિવાર રહેતા હતા. અમે મનપાને વૈકલ્પિક જગ્યાની માગ કરી છે છતાં કોઇ અમને યોગ્ય જવાબ આપતું નથી. હાલ ચોમાસું માથે છે તો અમે અમારાં સંતાનોને લઇને ક્યાં જઇએ.
સ્થાનિકો ના જણાવ્યા મુજબ તેઓ રેગ્યુલર પાણીવેરો સહિતનો વેરા ભરતા હતા. તેઓ એ મીડિયા ને કહ્યું કે મનપાએ અમને ત્રણ દિવસનો જ ટાઇમ આપ્યો હતો. હવે અમારે ક્યાં જવું, કોઇ મકાન પણ તાત્કાલિક ભાડે આપતું નથી.
80 મકાન અને દુકાનો ના ડીમોલેશન થતું જોઈ સ્થાનિક લોકો રડતા હતા અને પલળી રહેલી ઘર વખરી લઈ ચોમાસામાં ક્યાં રહેવા જવું તે મોટો પ્રશ્ન સ્થાનિકો માટે ઉભો થયો છે. અહીં મહિલાઓના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.