અમદાવાદમાં રથયાત્રાને લઇને હજુ તો સત્તાવાર જાહેરાત નથી થઇ. જો કે, ગત વર્ષે અમદાવાદમાં કોરોનાના કારણે નાથની નગરચર્ચા ન હોતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવ્યાં હતાં. પરંતુ આ વર્ષે રથયાત્રાને શરતી મંજૂરી મળવાનું જાણવા મળી રહ્યું છે જેને લઇને ભક્તો ઉત્સાહિત છે. ત્યારે બીજી બાજુ સુરતમાં પણ સુરતની મુખ્ય ઇસ્કોન મંદિરની રથયાત્રાને મૌખિક મંજૂરી અપાઇ છે. જો કે, રથયાત્રા દરમિયાન પ્રસાદ વહેંચવામાં નહીં આવે.માત્ર 3 કિલોમીટર સુધીની રથયાત્રાને મંજૂરી અપાઇ છે. રથયાત્રામાં માત્ર મંદિરનો સ્ટાફ અને પૂજારી જ જોડાઈ શકશે. રથયાત્રામાં દોઢસો લોકોની હાજરી રહેશે. જે લોકોએ સંપૂર્ણ વેક્સિનેશન કરાવ્યું હશે તેવાં લોકોને જ રથયાત્રામાં જોડવામાં આવશે. કોવિડની તમામ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 17 કિલોમીટરની રથયાત્રા નીકળતી હતી.ઇસ્કોન મંદિરના સભ્ય સરોજ કુમાર દાસનું કહેવું છે કે, ‘અમે સુરત સ્ટેશનથી જહાંગીરપુરા સુધીનો પારંપરિક રથયાત્રાનો રૂટ છે તે રૂટની માંગણી કરી હતી પરંતુ હાલની સ્થિતિ જોતા અમને વહીવટીતંત્ર દ્વારા તે મંજૂરી આપવામાં નથી આવી. આખરે છેલ્લાં ઘણાં દિવસથી અમે રથયાત્રા કાઢવા માટેની મંજૂરી માંગી રહ્યાં છીએ ત્યારે અંતે અમને ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા કરવા દેવામાં આવે તેવી અમારી લાગણી છે.’
