જેઠ મહિનના વદ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ તિથિ 5 જુલાઈના રોજ આવી રહી છે. આ વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે યોગિની એકાદશી બધા જ પાપનો નાશ કરનારી માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી દરેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓ દૂર થાય છે. જેથી રૂપ, ગુણ અને યશ પણ વધે છે. માન્યતા છે કે આ વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી મળતા પુણ્ય સમાન છે. આ વ્રત અંગે ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને એક કથા સંભળાવી હતી. જેમાં રાજા કુબેરના શ્રાપથી કોઢી થઈને હેમમાલી નામનો યક્ષ માર્કણ્ડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. ઋષિએ તેને યોગિની એકાદશી વ્રત કરવાની સલાહ આપી. યક્ષે ઋષિની વાત માનીને વ્રત કર્યું અને દિવ્ય શરીર ધારણ કરી સ્વર્ગલોક જતો રહ્યો. વ્રત કરનાર વ્યક્તિએ દશમ તિથિની રાતે જ તામસિક ભોજન છોડીને સાદું ભોજન કરવું જોઈએ. બીજા દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન પછી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખીને તેમની પૂજા કરો. ધ્યાન રહે કે આ દિવસમાં યોગિની એકાદશીની કથા પણ જરૂર સાંભળવી જોઈએ. આ દિવસ દાન કર્મ કરવું પણ ખૂબ જ કલ્યાકારી રહે છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે-સાથે પીપળાના ઝાડની પૂજાનું પણ વિધાન છે.
