અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે તેના ૧૫ દિવસ પહેલા ભગવાનને એકાંતમાં રાખવાની એક કથા પ્રચલિત છે. આ દિવસોમાં તેઓ બિમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે પાતળી ખીચડી અને ઔષધિ આપવામાં આવે છે. રથયાત્રા પહેલાના પંદર દિવસ ભગવાન બિમાર હોવાની એક કથા એવી છે કે જેઠ માસની પૂનમના દિવસે ભગવાને ઠંડા પાણીથી સ્નાન કરાવાય છે અને તે દિવસે ખૂબ જ ગરમી હોવાને કારણે ભગવાનને તાવ આવે છે. જેથી તેમને એકાંતમાં રખાય છે અને કોરોનામાં દર્દીનું ધ્યાન રખાય છે તે રીતે ભગવાનના ભોજનને પણ સાત્વિક કરી દેવાય છે. તેમને મગની દાળની પતલી ખીચડી અને ઉકાળો અપાય છે. મંગળા આરતી પહેલા ખીચડી, મગની દાળના લાડુ, તુલસીના પાન અને તજ,લવિંગ,લીંબુ,લીમડો અને તુલસીના પાનનો રસ બનાવી ત્રણ વાર ધરાવવામાં આવે છે.
સુરત ઈસ્કોન મંદિરના સૂચિ સુત કુમાર દાસે કહ્યું કે, બિમારીના સમય દરમિયાન ભગવાન માતા લક્ષ્મી પાસે વ્રજવાસીઓ સાથે એક દિવસ વિતાવવા માટેની પરવાનગી માંગે છે. આ માટે તેઓ માતાને સાડી,અલંકારો અને મીઠાઈ આપીને મનાવવાનો પ્રયત્ન કરે છે અને માતા માની પણ જાય છે અને એક દિવસની પરવાનગી આપે છે. જેથી ભગવાન અષાઢી બીજને દિવસે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જ્યારે સ્વસ્થ થઈને નગરયાત્રા પર નીકળે છે ત્યારે એક દિવસ ને બદલે વધુ દિવસ પસાર કરી દે છે ત્યારે લક્ષ્મીજી નારાજ થઈ ભગવાન જોડે ઝઘડો પણ કરે છે તેમ છતાં નવ દિવસ ભગવાન પોતાના ભકતો જોડે પસાર કરી દે છે.