નવી દિલ્હી: સરકારે શુક્રવારે કહ્યું કે તેણે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે ફેમ ઇન્ડિયા યોજનાના બીજા તબક્કાને 31 માર્ચ, 2024 સુધી બે વર્ષ વધારી દીધી છે. ફેમ ઇન્ડિયા યોજનાના બીજા તબક્કામાં (રેપિડ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ) સાર્વજનિક અને વહેંચાયેલ પરિવહન સિસ્ટમોને ઇલેક્ટ્રિક બનાવવા પર કેન્દ્રિત છે.
ભારે ઉદ્યોગ મંત્રાલયની સૂચના મુજબ, આ યોજના ત્રણ વર્ષના સમયગાળા માટે 1 એપ્રિલ, 2019 થી લાગુ કરવાની દરખાસ્ત છે. હવે સક્ષમ ઓથોરિટીની મંજૂરી સાથે, ફેેમ ઇન્ડિયા યોજનાના બીજા તબક્કાને વધુ બે વર્ષ એટલે કે 31 માર્ચ, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇકો ફ્રેન્ડલી વાહનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સરકારે 2015 માં ફેમ ઇન્ડિયા યોજના શરૂ કરી હતી. આ સંદર્ભે, ઉદ્યોગ સંસ્થા એફઆઈસીસીઆઈએ જણાવ્યું હતું કે યોજનાની સમયમર્યાદામાં વધારો થવાથી ઉદ્યોગને ઇલેક્ટ્રિક વાહનોની વિલંબિત માંગને પહોંચી વળવામાં મદદ મળશે.
કુલ 670 ઇલેક્ટ્રિક બસો અપાશે
તમને જણાવી દઈએ કે ફેમ ઇન્ડિયાના બીજા તબક્કાની શરૂઆત 1 લી એપ્રિલ 2019 થી થઈ હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગમાં ઝડપથી વધારો કરવાનો છે. ફેમ ઇન્ડિયા યોજનાના બીજા તબક્કા હેઠળ સરકારે દેશના રાજ્યોને 670 ઇલેક્ટ્રિક બસો આપવાનું વચન આપ્યું હતું. આ અંતર્ગત મહારાષ્ટ્રને 240, ગુજરાતને 250, ચંદીગઢને 80 અને ગોવામાં 100 બસો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.