અમદાવાદ : ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર એ. જી. મિલ્ખાસિંઘનું શુક્રવારે અહીંની એક હોસ્પિટલમાં હૃદયની બીમારીને કારણે નિધન થયું હતું. તેઓ 75 વર્ષના હતા.
તામિલનાડુના વિખ્યાત ક્રિકેટર એ. જી. રામસિંઘના પુત્ર અને અન્ય ટેસ્ટ ક્રિકેટર એ. જી. ક્રિપાલસિંઘના ભાઈ મિલ્ખાસિંઘ ભારત માટે ચાર ટેસ્ટ રમ્યા હતા. તેમણે 1960-61માં તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને એ સમયે ભારત આવેલી ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ સામે ટેસ્ટ મેચ રમ્યા હતા.
જોકે આ આકર્ષક ડાબેરી બેટ્સમેન અને શ્રેષ્ઠ ફિલ્ડર ટેસ્ટ ક્રિકેટમાં ખાસ નોંધપાત્ર દેખાવ કરી શક્યા ન હતા પરંતુ 1958થી 1969 સુધીના 21 વર્ષ ચાલેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેઓ 88 મેચ રમ્યા હતા. મિલ્ખાસિંઘે માત્ર 17 વર્ષની વયે તેમની રણજી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને એ જ વયે તેઓ ભારત માટે ટેસ્ટ મેચ પણ રમ્યા હતા. તામિલનાડુ માટે તેઓ રણજી ટ્રોફીમાં રમતા હતા જેમાં તેમણે 4000થી વધુ રન કર્યા હતા. મિલ્ખાસિંઘ અને તેમના ભાઈ ક્રિપાલસિંઘ ભારત માટે એક ટેસ્ટમાં તો સાથે રમ્યા હતા. ક્રિપાલસિંઘે તેમની કારકિર્દીની પ્રથમ જ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ મિલ્ખાસિંઘ ટેસ્ટ ક્રિકેટમાં ક્યારે અડધી સદી પણ નોંધાવી શક્યા ન હતા.
1961-62માં ઇંગ્લેન્ડ સામેની એક ટેસ્ટમાં બંને ભાઈ સાથે રમ્યા હતા. ભારત માટે બે ભાઈ એક જ ટેસ્ટમાં સાથે રમ્યા હોય તેવા જૂજ પ્રસંગ પૈકીની આ એક મેચ હતી. મિલ્ખાસિંઘના ભત્રીજા અર્જુન ક્રિપાલસિંઘ પણ તામિલનાડુ માટે રણજી ટ્રોફીમાં રમ્યા હતા અને 1987માં તેમણે ગોવા સામે ત્રેવડી સદી ફટકારી હતી. એ મેચમાં તામિલનાડુએ રણજી ટ્રોફીનો સર્વોચ્ચ 912 રનનો સ્કોર ખડકી દીધો હતો.
(આંકડાકિય માહિતી- વરીષ્ઠ પત્રકાર તુષાર ત્રિવેદી પાસેથી)