રાજકોટ ગ્રામ્યમાં કોરોના વિરોધી રસીકરણની રફતાર ધીમી હોય તેને વેગ આપવા અનેક સ્તરે પ્રયાસો કરાઈ રહયા છે. નગર પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં શોપીંગ મોલનાં વેપારીઓ, શાકભાજીનાં ધંધાર્થીઓ, ખાણી પીણીની લારી ધરાવનારા સહિતનાં છૂટક ધંધાર્થીઓએ આજથી કોરોનાનો છેલ્લા દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવો પડશે જો કે તંત્રએ કોરોના વિરોધી રસી મુકાવી હોય તેને નેગેટીવ કોરોના રિપોર્ટ ધંધાના સ્થળોથી રાખવામાંથી મુકિત આપવામાં આવી છે. કલેકટરે આજે આ અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. તા. ૯ જૂનથી ૩૦ જૂન સુધી અમલી રહેનારા આ જાહેરનામામાં જિલ્લાનાં નગર પાલિકા વિસ્તારમાં શોપીંગ મોલનાં વેપારીઓ, હોટલ – રેસ્ટોરન્ટમાં કામ કરનારા, રિક્ષા – ટેકસીનાં ડ્રાઈવર – કલીનર, ખાણી પીણીની લારી વાળા, પાનના ગલ્લા – ચાની કીટલી, હેર સલુન, ખાનગી સિકયુરીટી, બ્યુટી પાર્લર, સુથાર, ઈલેકટ્રીશ્યન, પ્લમ્બર લુહાર જેવા કારીગરોએ ધંધાના સ્થળે છેલ્લા દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો કોવિડ નેગેટીવ ( આરટીપીસીઆર ) ધંધાના સ્થળે સાથે રાખવો પડશે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કલમ ૧૮૮ અને એપેડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો કે જે વેપારીઓ કોરોના વિરોધી રસીનો ડોઝ લીધો હશે તેમને આ નિયમ લાગુ નહિ પડે. અધિકૃત અધિકારી જયારે આવે જયારે માગે ત્યારે રસીકરણનું સર્ટિફિકેટ રજુ કરવું પડશે. વહીવટી તંત્રનાં આ નિર્ણયથી નાના વેપારીઓની મુશકેલી વધશે. એક તરફ સરકાર કોરોનાનાં નિયંત્રણો હળવા કરી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કડક વલણ અપનાવવામાં આવી રહયુ હોવાનો કચવાટ જોવા મળી રહયો છે.
