હિંદુ માન્યતાઓ અનુસાર શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જે વ્યક્તિના કાર્યોને માપી અને તે અનુસાર સુખ કે દુખ આપે છે. પંચાગ અનુસાર દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ મનાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે પૂજા કરવાથી શનિ દેવ ખરાબ નજરથી બચાવે છે અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે.જેઠ મહિનાની અમાસના દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. તેથી આ દિવસને શનિ જયંતિ તરીકે મનાવવામાં આવે છે. શનિદેવને તમામ નવ ગ્રહોમાંથી સૌથી શ્રેષ્ઠ હોવાના ભગવાન શિવ તરફથી આશિર્વાદ મળ્યા છે. તેમની દ્રષ્ટિથી દેવતાઓથી લઇને માણસો સુધી બધા ભયભીય રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તમોગુણી પ્રધાનતા વાળા ક્રૂર ગ્રહ શનિને દુખનું કારણ કહેવાયું છે. તેઓ દેવ, દાનવો અને માણસોને ત્રાસ આપવા માટે સમર્થ છે. 12 વર્ષ સુધીના બાળકો પર શનિનો પ્રકોપ નથી રહેતો. તેની પાછળનું કારણ મુનિ પિપ્પલાદ અને શનિ વચ્ચે થયેલ યુદ્ધ છે. પિપ્પલાદે શનિદેવને યુદ્ધમાં હરાવી દીધા હતા અને તે શરતે મુક્ત કર્યા કે તે 12 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોઇ પ્રકારનું દુખ નહીં આપે. ભગવાન શનિની લંગડી અને ધીમી ચાલ પાછળનું કારણ પિપ્પલાદ મુનિ છે. પિપ્પલાદ મુનિ પોતાના પિતાના મૃત્યુનું કારણ શનિ દેવને માનતા હતા. તેથી પિપ્પલાદ મુનિએ શિન પર બ્રહ્મદંડથી પ્રહાર કર્યો હતો. શનિ દેવ આ પ્રહાર સહન કરવામાં અસમર્થ હતા, જેના કારણે શનિ ત્રણેય કાળમાં દોડવા લાગ્યા અને ત્યાર બાદ બ્રહ્મદંડે શનિદેવને લંગડા કરી દીધા હતા.
