નવી દિલ્હીઃ આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ કાલે 10 જૂને થશે. આ સૂર્ય ગ્રહણને ભારતના માત્ર અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક ભાગોમાં જ સુર્યગ્રહણ જોવા મળશે. જે સૂર્યાસ્તના થોડા સમય પહેલા જ જોવા મળશે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ હશે. ખગોળીય ઘટના ત્યારે બને છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી રેખામાં આવે છે. એમપી બિરલા તારામંડલના નિર્દેશક દેવીપ્રસાદ દુરઈના જણાવ્યા પ્રમાણે સૂર્ય ગ્રહણ ભારત અને અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક ભાગોમાં જોવા મળશે.
કેમ છે આ સૂર્યગ્રહણ ખાસ?
વર્ષ 2021નું આ સૂર્યગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે શનિ જયંતિ પર ગ્રહણનો યોગ આશરે 148 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલા શનિ જયંતિ પર સૂર્યગ્રહણ 26 મે, 1873માં જોવા મળ્યું હતું. ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે જ જોવા મળશે. તેથી ગ્રહણ કાળ માન્ય નહીં હોય. અમેરિકાના ઉત્તર ભાગ, યૂરોપ અને એશિયામાં પણ આંશિક ગ્રહણ જ હશે. પૂર્ણ સૂર્યગ્રહણ ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં જોવા મળશે.
સૂર્યગ્રહણનો સમય
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ બપોરે 1:42 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6:41 વાગ્યા સુધી રહેશે. આ વખતે ભારતમાં ગ્રહણનું સૂતક માન્ય નથી.
સૂર્યગ્રહણને લઈને માન્યતાઓ…
– માન્યતા છે કે, સૂર્યગ્રહણ સમય દરમિયાન કદી સુવાનું નહિ, ભોજન કરવું નહિ અને બનાવવું પણ નહી.
– આ ઉપરાંત માન્યતા છે કે, ક્યારેય નવી યાત્રાનો પ્રારંભ કરવો નહિ, કોઈ નવી વસ્તુની ખરીદી કરવી નહિ, કોઈ મહત્વના દસ્તાવેજી કાગળ ઉપર સહી કરવી નહિ.
– ગ્રહણ વખતે કંઇપણ સીવવાનું કામ કરવું નહીં.
– સૂર્યગ્રહણ સમયે ભગવાનનું નામ લેવું જોઇએ અને ઘરનાં મંદિરનાં દરવાજા બંધ રાખવા જોઇએ.
– સૂર્યગ્રહણ મોક્ષના સમય બાદ ઘરના દરેક સભ્યોએ માથું ભીનું કરી પહેરેલા કપડે સ્નાન કરવું જ જોઈએ.
– માન્યતા એવી પણ છે કે, ગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરવાથી વિશેષ લાભ મળે છે. ગંગાજળનો ઘરનાં દરેક ખૂણામાં છંટકાવ કરવો જોઇએ.
– ગ્રહણ પછી ગરીબોને દાન દક્ષિણા આપવાથી સારો લાભ થાય છે.
– માન્યતા છે કે ગ્રહણ પછી ગાયને રોટલી ખવડાવવી જોઇએ.