નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે કેરળમાં ચોમાસું પહોંચવાની જાહેરાત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ત્રણ જુને કેરળના દક્ષિણ તટ ઉપર ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે. કેરળ પહોંચ્યા બાદ હવે ધીમે ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે. જૂનના અંત સુધી દિલ્હી પહોંચવાની સંભાવના છે.
મોસમ વિભાગે પહેલા 31 મેના દિવસે ચોમાસું કેરળ પહોંચવાનું અનુમાન લગાવ્યું હતું. સાથે એ પણ કહ્યું હતું કે ચાર દિવસ આગળ પણ વધી શકે છે. આમ ચોમાસા અંગે હવામાન વિભાગની ભવિષ્યવાણી સાચી પડી છે.
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?
ગુજરાતમાં ચોમાસુ 15 જુનથી શરૂ થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસની સિઝનનો વરસાદ 15થી 22 જૂન સુધીમાં આવી જશે. જોકે ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે અને થન્ડર સ્ટોમના કારણે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે.
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તીએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહશે. તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહશે. અન્ય વિસ્તારોમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
3 જૂનના રોજ ડાંગ, સુરત, ભરૂચ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, 4 જૂનના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
5 જૂનના રોજ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી તેમજ દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દિવમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે.
6 જૂનના રોજ આણંદ, સુરત, તાપી, ભાવનગર, અમરેલીમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.