નવી દિલ્હીઃ દેશમાં હાહાકાર મચાવ્યા બાદ કોરોનાની બીજી લહેર ધીમે ધીમે નબળી પડતી જાય છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાની પણ આશંકા સેવાઈ રહી છે. જોકે, કેન્દ્ર સરકારે હળવી પડતી કોરોનાની લહેર વચ્ચે અનલોકની પ્રક્રિયા અંગે મહત્વની જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારએ કહ્યું છે કે ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય અને કુલ વસ્તીના લગભગ 70 ટકા લોકોનું વેક્સીનેશન થઈ ચૂક્યું હોય. તેની સાથે જ કોવિડ પ્રોટોકોલ્સનું પણ કડકાઈથી પાલન કરવામાં આવે. ત્યારબાદ જ જિલ્લાઓમાં મોટાભાગના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવે.
ICMRના મહાનિદેશક અને ભારતના કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. બલરામ ભાર્ગવે મંગળવારે આ વાત પર ભાર મૂક્યો કે પ્રતિબંધોથી ધીમેધીમે છુટ આપવાના મામલામાં તેજી નહીં આવે. જિલ્લા વહીવટીતંત્રએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે વેક્સીનેશનને પ્રાથમિકતા આપવામાં આવે.
ભાર્ગવે કહ્યું કે, ત્રીજી લહેરને રોકવાના મામલામાં 5 ટકાથી ઓછા પોઝિટિવિટી રેટવાળા જિલ્લાઓને આંશિક ખોલી શકાશે. તેમાં ખૂબ ધીમેધીમે છુટ આપવી જોઈએ. જિલ્લાઓમાં પ્રતિબંધોમાં છુટ આપવા વિશે ભાર્ગવે કહ્યું કે, એવા જિલ્લાઓમાં એક સપ્તાહ સુધી સંક્રમણ દર પાંચ ટકાથી ઓછો હોવો જોઈએ, પાત્રતા ધરાવતા લોકોનું 70 ટકાથી વધુ વેક્સીનેશન થયેલું હોવું જોઈએ અને કોવિડ-19ના યોગ્ય વ્યવહાર કરવા માટે સામુદાયિક સ્તર પર જાગૃતિ હોવી જોઈએ.
ડૉ. બલરામ ભાર્ગવનું નિવેદન સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા બાદ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગત સપ્તાહે 344 જિલ્લામાં સંક્રમણ દર પાંચ ટકાથી ઓછું રહ્યું છે અને 30 રાજ્યોમાં કોરોના વાયરસના સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
ભાર્ગવે કહ્યું કે, આપણે કોરોનાની ઘાતકી બીજી લહેરની વચ્ચે છીએ, જોકે તે હજુ ખતમ થઈ રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલના પહેલા સપ્તાહમાં આપણી પાસે 200થી ઓછા જિલ્લા હતા, જેમાં 10 ટકાથી વધુ સંક્રમણ દર હતું.
એપ્રિલના અંતિમ સપ્તાહમાં 600 જિલ્લામાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી દર હતો. આજે દેશમાં 239 જિલ્લા છે જેમાં 10 ટકાથી વધુ સંક્રમણ દર છે. 145 જિલ્લામાં 5 ટકાથી 10 ટકા પોઝિટિવિટી દર છે અને 350 જિલ્લામાં 5 ટકાથી પણ ઓછો સંક્રમણ દર છે. તેથી આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.