કાલાષ્ટમીનો તહેવાર દર મહિનાની વદ પક્ષની આઠમ તિથિએ ઊજવાય છે. આ વખતે આ પર્વ 2 જૂનના રોજ આવશે. આ દિવસે કાલભૈરવની પૂજા કરવામાં આવે છે, જેમને શિવજીનો એક અવતાર માનવામાં આવે છે. તેને કાલાષ્ટમી, ભૈરાવષ્ટમી વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પૂજા અને વ્રતનું પણ વિધાન છે. નારદ પુરાણ પ્રમાણે કાલાષ્ટમીના દિવસે કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઇએ. 2 જૂનની રાતે દેવી કાળીની ઉપાસના કરનાર લોકોએ અડધી રાત પછી માતાની તે જ પ્રકારે પૂજા કરવી જોઇએ, જે પ્રકારે દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાળરાત્રિની પૂજાનું વિધાન છે. આ દિવસે શક્તિ પ્રમાણે રાતે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા સાંભળીને જાગરણ કરવું જોઇએ. આ દિવસે વ્રતીએ ફળાહાર કરવો જોઇએ. આ દિવસે કૂતરાને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ-વિધાનથી કાલભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થવા લાગે છે અને કાળ દૂર ભાગે છે. આ સિવાય વ્યક્તિ રોગથી દૂર રહે છે. સાથે જ, તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.
