ઝારખંડ અને છત્તીસગઢ બાદ હવે પંજાબે પણ વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી દીધી છે.
પંજાબ આવુ કરનાર હવે દેશનુ ત્રીજુ રાજ્ય છે. કોરોનાની રસી માટેના વેક્સિનેશન સર્ટિફિકેટ પર હવે પંજાબ સરકારે મિશન ફતેહનો લોગો લગાવ્યો છે. આ પહેલા ઘણા રાજકીય પક્ષો પીએમ મોદીની વેક્સિનેશન સર્ટિફિકેટ પરની તસવીર સામે આપત્તિ જાહેર કરી ચુકયા છે.
એવુ કહેવાઈ રહ્યુ છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વેક્સીનની માંગણીને લઈને ખટરાગ ચાલી રહ્યો છે. કેટલાક રાજ્યોએ તો વિદેશથી પોતાની જાતે વેક્સિન ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે. જાેકે પંજાબ સરકારને મોર્ડના અને ફાઈઝર કંપની સીધી વેક્સિન આપવાનો ઈનકાર કરી ચુકી છે.
એવુ મનાય છે કે, તેના કારણે જ પંજાબ સરકારે વેક્સિન સર્ટિફિકેટ પરથી મોદીનો લોગો હટાવી દીધો છે. દરમિયાન રાજ્યમાં વેક્સિનની પ્રાથમિકતા ધરાવતા લોકોની યાદીમાં દુકાન દારો, હોસ્પિટાલિટી સેક્ટરના કર્મચારીઓ, ઔદ્યોગિક કામદારો, નાની દુકાનો અને લારી ગલ્લાવાળા, બસ અને ટેક્સી ડ્રાઈવરોને પણ સામેલ કર્યા છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંહનુ કહેવુ છે કે, રાજ્યમાં ઘણા લોકોએ વેક્સિન માટે દાન આપ્યુ છે. રાજ્યમાં જેમને પ્રાથમિકતા અપાઈ છે તેવા લોકો પૈકી ૪.૩ લાખ લોકોને રસી મુકવામાં આવી ચુકી છે.