ઓડિશાઃ બંગાળની ખાડીમાં ચક્રવાતમાં સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડું યાસનું લેન્ડફોલ થયા બાદ દરિયા કાંઠા રાજ્યોમાં તાંડવ મચાવવાનું શરૂં કર્યું છે. ઓડિયા અને પશ્વિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં વિનાશ વેરવાનું શરું કરી દીધું છે. બુધવારે સવારે 9 વાગ્યાથી યાસ વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે ટકરાવવાનું શરું થયું છે.
આ પહેલા વાવાઝોડું નજીક આવતાં જ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે પવન ફુંકાવાની સાથે તોફાની વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન કેટલાક મકાનોની છત ઉડતી પણ જોવા મળી. સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ઝડપથી પવનો ફુંકાઈ રહ્યા છે. તેની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ છે.
તેની સાથે જ ભારે વરસાદના કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. દરિયાના મોજા ઊંચા ઉછળી રહ્યા છે. આકાશમાં કાળા વાદળો છવાયેલા છે. યાસ વાવાઝોડાએ વેરેલા વિનાશના અનેક વીડિયો સામે આવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં ટોરનેડો પણ જોવા મળ્યો છે. તેમાં ઘરોની છતો સહિત ઘણો કાટકાળ હવામાં ઉડતો જોવા મળ્યો છે. ઓડિશાના સ્પેશલ રિલીફ કમિશ્નર પી.કે. જેનાએ જણાવ્યું કે, લેન્ડફોલ સવારે 9 વાગ્યે શરૂ થઈ ગયું હતું અને તે ત્રણથી ચાર કલાક સુધી ચાલશે. બપોરે 1 વાગ્યા સુધીમાં વાવાઝોડાનો છેડો જમીનને સ્પર્શ કરશે એવી શક્યતા છે. આ લેન્ડફોલ ધર્મા અને બાલાસોરની વચ્ચે થયો છે.
નોંધનીય છે કે, યાસ વાવાઝોડું ત્રાટકવાનું હોવાથી ઓડીશાના નીચાણવાળા વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોથી ત્રણ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એસઆરસી પી.કે. જેનાએ કહ્યું કે, રાજ્યમાં 860 સ્થાયી શિબિરો અને 6200 અસ્થાયી ગૃહો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં કોવિડ-19ના નિયમોનું પાલન કરીને 7થી 8 લાખ લોકોને સુરક્ષિત સ્થળે રાખવામાં આવી શકે છે.