અમદાવાદઃ એક તરફ ગુજરાત ઉપર કોરોના વાયરસનો કહેર તો ચાલું છે ત્યારે બીજી તરફ અરબી સમુદ્ર તરફથી એક નવી આફત ગુજરાત તરફ આવી રહી છે. અરબી સમુદ્રમાં તૌક્તે નામનું વાવાઝોડું વધારે મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે હવે તૌક્તે પોરબંદરથી નલિયા વચ્ચેથી પસાર નહીં થાય જોકે, વાવાઝોડું ફંટાયું હોવાથી પોરબંદર-મહુવા વચ્ચેથી પસાર થવાનું અનુમાન છે. અને તૌક્તે 18મી મેના વહેલી સવારે પોરબંદર-મહુવા વચ્ચે ટકરાશે. અત્યારે દક્ષિણપૂર્વ વેરાવળથી 730 કિલોમીટર દૂર છે.
મળતી માહિતી પ્રમાણે વાવઝોડાના કારણે કેરળ, કર્ણાટક, ગોવા, ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારમાં વરસાદ થશે. કચ્છ અને દિવના વિસ્તારમાં ભારે વરસાદની અગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેના કારણે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, પોરબંદરના વિસ્તારમાં 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવઝોડાના કારણે દરિયામાં મોજાની તીવ્રતા વધશે. દરિયા કિનારે કરંટ જોવા મળશે. દરિયાના મોજા 1થી 2 મીટર ઉંચા ઉછળશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વાવાઝોડને લઈ સરકાર સજ્જ થઇ છે. વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારના વિસ્તારમાં કામગીરી શરૂ કરી દીધી છે. વાવઝોડું નજીક પહોંચે અને લોકોને સ્થળાંતર કરવા પડે તો ડેટા તૈયાર કરી લીધો છે. તેમજ ભારત સરકારે ફાળવેલી NDRFની 24 ટીમ રાજ્યના દરિયાકિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ 6 ટીમ કાર્યરત કરી દેવાઇ છે. ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે.
દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને પરત આવવા ફીશરીઝ વિભાગ અને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં અગરીયાઓ અને સાગરખેડુઓને દરિયામાંથી જમીન-લેન્ડ પર લઈ લેવા દરિયાકાંઠાના જિલ્લાઓનું વહીવટીતંત્ર કાર્યરત થયું છે.
ભારે પવન અને વાવાઝોડાની અસરના કારણે દરેક સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બારી, બારણાં, કાચ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરને નુકસાન ન પહોંચે તે રીતે વિન્ડ પ્રૂફિંગ કરવાની સૂચના આપી છે. ઊંચી ઇમારતોના થઈ રહેલા બાંધકામ તેમજ ભયજનક હોડિંગ્સ ભારે પવનને કારણે પડી ન જાય તે માટે સૌરાષ્ટ્રની તમામ મ્યુનિસિપાલીટીના ઇજનેરોને ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે તમામ પ્રકારે સરકાર અને વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે.