નવી દિલ્હી : જો તમે LIC કચેરીએ જવા ઇચ્છતા હો અથવા કચેરી સાથે જોડાયેલું કોઈ કામ હોય તો, આ સમાચાર તમારા માટે જરૂરી છે. 10 મે એટલે કે આજથી LICની તમામ કચેરીઓમાં પાંચ દિવસ કામ થશે. એટલે કે શનિવાર અને રવિવારે કચેરીઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે. કંપનીએ એક જાહેર નોટિસમાં કહ્યું છે કે, 15 એપ્રિલ 2021ના જાહેરનામામાં ભારત સરકારે જીવન વીમા નિગમ માટે દર શનિવારે જાહેર રજાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881ની કલમ 25 હેઠળ આ ફેરફાર કર્યો છે. જો તમારે LICની ઓફીસમાં કોઈ કામ હોય તો સોમવારથી શુક્રવાર વચ્ચે જવાનું રહેશે. LICની કચેરી સોમવારથી શુક્રવાર એમ સપ્તાહમાં પાંચ દિવસ, સવારે 10થી સાંજે 5:30 વાગ્યા સુધી ખુલી રહેશે.
સમાચારપત્રોમાં જાહેરાત દ્વારા જાણકારી આપી
LIC અઠવાડિયામાં પાંચ દિવસ કામગીરીની સિસ્ટમ અંગે છાપામાં જાહેરખબર આપીને લોકો સુધી જાણકારી પહોંચાડી રહ્યું છે. એલઆઈસીએ કહ્યું કે, 15 એપ્રિલના રોજ કરાયેલી સરકારની જાહેરાત મુજબ, LIC ઓફીસ 10 મેથી દર શનિવાર અને રવિવારે બંધ રહેશે.
ઓનલાઈન કામ કરી શકાય
LIC દ્વારા ગ્રાહકોને ઓનલાઇન સુવિધા પણ આપવામાં આવી છે. સત્તાવાર વેબસાઇટ https://licindia.in/ પર તમે તમામ કામ ઓનલાઇન કરી શકો છો. આ ઉપરાંત કોરોના સંકટ વચ્ચે ગ્રાહકોને અસુવિધા ન થાય, તે માટે LICએ ક્લેમ સાથે જોડાયેલી શરતોમાં પણ છુટછાટ આપવાની જાહેરાત કરી છે.
કોરોના કાળમાં નિયમોમાં અપાઈ છૂટછાટ
LICએ ડેથ ક્લેમના ઝડપી સમાધાન માટેના કેટલાક નિયમો હળવા કર્યા છે. કોરોના રોગચાળામાં જો કોઈ ક્લાયન્ટનું હોસ્પિટલમાં મૃત્યુ થાય છે, તો મ્યુનિસિપલ ડેથ સર્ટિફિકેટની જગ્યાએ તમે કોઈપણ ડેથ સર્ટિફિકેટ, ડિસ્ચાર્જ સમરી, મૃત્યુની તારીખ અને મૃત્યુ તારીખ સાથેની ડેથ સમરીનો ઉપયોગ કરી શકાય છે. જે સરકાર, ઇએસઆઈ, સશસ્ત્ર દળ, કોર્પોરેટ હોસ્પિટલ, એલઆઈસી વર્ગ -1 અધિકારી અથવા 10 વર્ષનો અનુભવ ધરાવતા વિકાસ અધિકારી માન્ય હોવી જોઈએ. તમે આ દાવો અંતિમવિધિનું પ્રમાણપત્ર, દફનનું પ્રમાણપત્ર આપીને પણ કરી શકો છો.