નવી દિલ્હીઃ કોરોના વાયરસ શરીરના અલગ અલગ અંગે ઉપર સાઈડ ઈફેક્ટ કરી રહ્યું છે ત્યારે આંખોને પણ વધારે નુકસાન પહોંચાડે છે. કોવિડ-19માં આંખોમાં લાલાશ તથા સોજો આવે છે અને રેટિના પર અસર થાય છે. કોરોના વાયરસથી આંખ કેવી રીતે બચાવવી અને શું-શું સાવધાની રાખવી તે વિશે અહીં નિષ્ણાંત દ્વારા જાણકારી આપવામાં આવી છે.
કોરોના વાયરસ નાક અને મોઢાની જેમ આંખોથી પણ ફેલાઈ શકે છે. સંક્રમિત વ્યક્તિના ખાંસી ખાવાથી, છીંક ખાવાથી અને વાતચીત કરવાથી વાયરસ નાક, મોઢા અને આંખથી પણ શરીરમાં પ્રવેશ કરી શકે છે. કોઈ વસ્તુને અડવાથી અને તે જ હાથ આંખો પર લગાવવાથી પણ સંક્રમણ થઈ શકે છે.
નેત્ર રોગ નિષ્ણાંતે જણાવ્યું કે કોરોના વાયરસથી આંખોમાં રેડનેસ અને સોજો પણ આવે છે. જો આંખોની બહારની બાજુએ સંક્રમણ હોય તો તેની દવાથી સારવાર કરી શકાય છે, જો વાયરસ આંખોની અંદર પ્રવેશ કરે છે તો વાયરસ રેટિના પર અસર કરે છે. ડો. અમિત જણાવે છે કે, વાયરસથી બચવા માટે માસ્ક પહેરવામાં આવે છે, પરંતુ આંખો ખુલ્લી રહે છે, જેના કારણે સંક્રમણ થવાનો ભય રહે છે. આંખો પર ચશ્મા પહેરવા જોઈએ અને આંખો પર વારંવાર હાથ ન લગાવવો જોઈએ.
ચશ્મા પહેરવાથી આંખોની સુરક્ષા થઈ શકે છે
કોરેક્ટિવ લેન્સ અથવા તડકામાં પહેરવાના ચશ્માથી આંખોનું રક્ષણ કરી શકાય છે, પરંતુ તે 100 ટકા સુરક્ષા આપતા નથી. ચશ્માની ઉપરની સપાટી અને નીચેની સપાટીથી વાયરસ આંખો સુધી પહોંચી શકે છે. જો તમે કોઈ દર્દીની સારવાર કરી રહ્યા છો તો ચશ્માથી તમારી આંખની સુરક્ષા કરી શકાય છે.
આંખોને મસળો નહીં
જો તમને આંખોમાં ખંજવાળ આવે તો આંખોને મસળવી ન જોઈએ અને એડજસ્ટ કરવા માટે આંગળીની જગ્યાએ ટિશ્યૂનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારી આંખો સૂકી હોય અને તમે આંખોને મસળો છો, તો આંખોમાં મોઈશ્ચરાઈઝિંગ ડ્રોપ્સ નાખવા જોઈએ. કોઈ કારણસર આંખોને અડવાનું થાય, જેમકે દવા માટે તો આંખોને અડ્યા પહેલા 20 સેકન્ડ સુધી હાથને સાબુ અને પાણીથી ધોવા જોઈએ અને આંખોને અડ્યા બાદ ફરીથી હાથ ધોવા જોઈએ.
સ્વચ્છતા અને યોગ્ય ડિસ્ટન્સ
કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો, વારંવાર સાબુથી 20 સેકન્ડ સુધી હાથ ધોવો. કોઈપણ વ્યક્તિ સાથે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ રાખો તથા નાક, મોઢા અને આંખોને અડવું નહીં.