અમદાવાદઃ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દુઃખદ સમાચાર આવી રહ્યા છે. રાજ્યના કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું અવસાન થયું છે. હાર્દિકના પિતા ભરત પટેલ કોરોના સંક્રમિત થયા હતા અને તેમને અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે તેમનું સારવાર દરમિયાન દુખદ નિધન થયું હોવાના સમાચાર આવતા હાર્દિક પટેલના પરિવાર માથે દુ:ખની વેળા આવી છે. હાર્દિક પટેલે કોરોના વાયરસનો ભોગ બનેલા પિતા ગુમાવ્યા છે.
હાર્દિક પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા જેના વિશે તેમણે થોડા દિવસો પહેલાં જાતે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ત્યારે આજે કોરોનાવાયરસની ઝપટમાં આવેલા તેમના પિતા ભરતભાઈનું અવસાન થયું છે. ભરત ભાઈ પટેલ હંમેશા હાર્દિકને પ્રોત્સાહન આપતા હતા. પાટીદાર અનામત આંદોલન વખતેના કેસ હોય કે હાર્દિકનો જેલવાસ તેઓ કાયમ મીડિયા સામે મજબૂતાઈ આવ્યા અને કોઈ દિવસ નકારાત્મક વાત કરી નહોતી.
સમાજ માટે દીકરાએ આપેલા યોગદાનનો તેઓ હંમેશા ગર્વથી ઉલ્લેખ કરતા હતા અને તેમણે આ સમગ્ર આંદોલન દરમિયાન હાર્દિક પટેલને એક વાલી તરીકે બળ પુરૂં પાડ્યું હતું. તેમના અવસાનથી હાર્દિક પટેલને પિતા સાથે એક માર્ગદર્શકની પણ હંમેશા ખોટ વર્તાશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો.