શામલી: ઉત્તર પ્રદેશમાં બેવડી હત્યાની સનસની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બે સગી બહેનોની હત્યા કરી દેવામાં આવી છે. હત્યાનો આરોપ મૃતક મહિલાના પતિ તથા દિયર સહિત અન્ય બે લોકો પર લાગ્યો છે. મળતી માહિતી મુજબ સાસરિયાઓએ પોતાની પુત્રવધૂ અને તેની મોટી બહેનની હત્યા કરી દીધી. હત્યાનું કારણ પારિવારિક કલહ હોવાનું કહેવાય છે.
ડબલ મર્ડરની જાણ થતાં પોલીસે બંને મહિલાઓના મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને બે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ ચાર લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે.
મૃતક બંને બહેનોના નામ ડિમ્પલ તથા સરોજ ઉર્ફે શિવાની હોવાનું જાણવા મળ્યું છે. હરિયાણાના પાણીપત જિલ્લાના સનોલી પોલીસ સ્ટેશનની હદના રિસપુર નિવાસી રૂષિપાલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની પત્ની ડિમ્પલ પોતાની નાની બહેન સરોજ ઉર્ફે શિવાનીને મળવા શામલી ગઈ હતી.
સરોજ ઉર્ફે શિવાનીનો પોતાના પતિ વિક્રમથી કોઈ વાતને લઈ ઝઘડો ચાલી રહ્યો હતો. જેને લઈને પતિ-પત્ની વચ્ચે સુલેહ કરાવવા માટે સાળી ડિમ્પલ ત્યાં પહોંચી હતી. આરોપ છે કે ત્યારબાદ વિક્રમ તથા તેના ભાઈ વિપિન, સુશીલ, અંકુરની સાથે મળી સાળી ડિમ્પલ તથા સરોજની હત્યા કરી દીધી.
આરોપીઓએ બંને બહેનોની લાઠી અને ડંડાથી મારીને હત્યા કરી દીધી. હત્યાની જાણ થતાં બંને મહિલાઓના પરિજનોમાં હોબાળો મચી ગયો છે. જેઓએ આ સમગ્ર પ્રકરણી સૂચના પોલીસને આપી છે. વિસ્તારમાં બે સગી બહેનોની હત્યાની સૂચના મળ્યા બાદ સન્નાટો ફેલાઈ ગયો છે.
બીજી તરફ, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ડબલ મર્ડરની સૂચના પર એસ.પી. સુકીર્તિ માધવ તથા સીઓ કૈરાના જિતેન્દ્ર સિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને મામલાની જાણકારી મેળવી. પોલીસ સ્ટેશન પ્રભારી શ્યામવીર સિંહે જણાવ્યું કે બે સગી બહેનોની હત્યાની સૂચના મળી હતી. પોલીસ હાલમાં બાકી આરોપીઓની તલાશ કરી રહી છે.