નવી દિલ્હીઃ અત્યારે ઉનાળો પોતાની ચરમસીમા ઉપર છે ત્યારે અસહ્ય ગરમીમાં લોકો પરેશાન થયા છે ત્યારે ભારતના હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગના વિસ્તૃત પૂર્વાનુમાન મુજબ કેરળમાં ચોમાસાનું પોતાના સામાન્ય સમય પર પહેલી જૂનની આસપાસ આગમન થશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં સચિવ એમ. રાજીવનએ આ વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે IMD 15મેના રોજ ઓફિશિયલ રીતે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરશે.
એમ. રાજીવને ટ્વીટ કર્યું કે, મોનસૂન 2021 અપડેટઃ ભારત હવામાન વિજ્ઞાન વિભાગના વિસ્તૃત પૂર્વાનુમાન મુજબ કેરળમાં પહેલી જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે. આ પ્રારંભિક પૂર્વાનુમાન છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગનું ઓફિશિયલ ચોમાસું પૂર્વાનુમાન 15 મેના રોજ અને વરસાદથી સંબંધિત પૂર્વાનુમાન 31 મેના રોજ જાહેર થશે.
IMDએ જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે સામાન્ય રહેવાની શક્યતા છે. દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના કારણે થાય છે. લાંબા ગાળાના હિસાબથી સરેરાશ વરસાદ 98 ટકા સુધી થશે અને તેમાં પાંચ ટકાનો વધારો-ઘટાડો હોઈ શકે છે.
દેશના 75 ટકા હિસ્સામાં જૂનથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સક્રિય રહેનારા ચોમાસાની સીઝનમાં કુલ 103 ટકા વરસાદ પડશે.
પરંતુ ઉત્તર ક્ષેત્રના મેદાની વિસ્તારો અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારમાં સમગ્ર સીઝનમાં ઓછો વરસાદ પડવાની આશંકા છે. જ્યારે પૂર્વ ભારતના રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં સરેરાશથી વધુ વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે.