ઉત્તર પ્રદેશઃ અત્યારના સમયમાં યુવતીઓ વધારે ફોરવર્ડ થઈ ગઈ છે. પોતાની પસંદ અને ના પસંદથી લગ્ન કરવા માટે આઝાદ બની છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં એક અજીબોગરીબ ઘટના બની હતી. ઉત્તર પ્રદેશમાં ખોટું બોલીને લગ્ન કરી રહેલા દુલ્હાને પસ્તાવાનો વારો આવ્યો છે. દુલ્હા અને તેના પરિવારે અભ્યાસ વિશે દુલ્હનના પરિવારને અંધારામાં રાખ્યા અને જ્યારે અધૂરા ભણતરની વાત સામે આવી તો દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. આંગણે આવેલી જાન દુલ્હનને સાથે લીધા વગર જ પરત ફરી.
આ ઘટના ઉત્તર પ્રદેશના મહોબા શહેરની છે. દુલ્હાને 2નો ઘડિયો ના આવડતા દુલ્હને લગ્ન કેન્સલ કર્યા. પોલીસે આ કેસ વિશે જણાવ્યું, બે પરિવાર વચ્ચેના આ અરેંજ મેરેજ હતા. લગ્નમાં હાજર મહેમાનો પણ આ જોઇને દંગ રહી ગયા હતા. દુલ્હનનાં પરિવારજનોએ તેને મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેણે કહ્યું, જેનામાં બેઝિક એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી તેવી વ્યક્તિ સાથે હું લગ્ન કરીને જિંદગી કેવી રીતે પસાર કરી શકું? પહેલાં તેને ગણિત શીખવાડો.
દુલ્હનના ભાઈએ જણાવ્યું, દુલ્હા અને તેના આખા પરિવારે અમને છોકરાના એજ્યુકેશન વિશે અંધારામાં રાખ્યા. તે છોકરાએ ક્યારેય સ્કૂલમાં પગ પણ મૂક્યો નહોતો. અમને છેતરવામાં આવ્યા છે. મારી બહાદુર બહેને પળવારનો પણ વિચાર કર્યા વગર લગ્ન કરવાની ના પાડી અને અમને બધાને તેના પર ગર્વ છે.
આ ઘટના મામલે પોલીસે કોઈ કેસ ફાઈલ કર્યો નથી. દુલ્હાના પરિવારે ભૂલ સ્વીકારી અને બંને પરિવાર એકબીજાને આપેલી ગિફ્ટ પરત કરી દેશે.