નવી દિલ્હીઃ દેશ આખો કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે એક મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના માધ્યમથી બેન્ક વેક્સીન મેન્યુફેક્ચર્સ, વેક્સીન ટ્રાન્સપોટર્સ, એક્સપોર્ટ્રર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હૉસ્પિટલ્સ, હેલ્થ સર્વિસ પ્રોવાઇડર્સને પણ તેનો લાભ મળશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ આપવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરથી ઇકોનોમી મોટા પાયે પ્રભાવિત થઈ છે. તેના સાથે જોડાયેલી સ્થિતિઓ પર રિઝર્વ બેન્ક નજર રાખી રહ્યું છે. બીજી લહેરની વિરુદ્ધ મોટા પગલાં લેવાની જરૂર છે. મીડિયાને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે કોરોનાની પહેલી લહેર બાદ ઇકોનોમીમાં રિકવરી જોવા મળી રહી હતી પરંતુ બીજી લહેરે ફરી એક વાર સંકટ ઊભું કરી દીધું છે.
રિઝર્વ બેન્કે નાના કારોબારીઓને મોટી રાહત આપી છે. સાથોસાથ કેટલીક અન્ય પ્રકારની રાહતની પણ જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે કહ્યું કે પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિકતા ધરાવતા સેક્ટરોને ઝડપથી લોન અને ઇન્સેટિવની જોગવાઈ કરવામાં આવશે. વિશેષમાં બેન્ક, કોવિડ બેન્ક લોન પણ બનાવશે.
રિઝર્વ બેન્કના ગવર્નરે વધુમાં કહ્યું કે, સરકાર વેક્સીનેશનમાં તેજી લાવી રહી છે. ગ્લોબલ ઇકોનોમીમાં રિકવરીના સંકેત છે. ભારતની વાત કરીએ તો ભારતીય ઇકોનોમી પણ દબાણથી બહાર આવતી જોવા મળી રહી છે. આગામી સારા ચોમાસાથી ગ્રામીણ માંગમાં તેજી શક્ય છે. મેન્યુફેક્ચરિંગ એકમોમાં પણ થોડી ગતિ જોવા મળી રહી છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં તેજી બરકરાર જોવા મળી રહી છે. જોકે એપ્રિલ મહિનામાં ઓટો રજિસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે.