અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અનેક પરિવારો ઉજડી ગયા છે. ત્યારે પતિ પત્નીના સાથે મોત થવાની અનેક ઘટનાઓ પણ બની છે ત્યારે અમરાઇવાડીમાં વૃદ્ધ દંપતિનું એકસાથે મોત થયું હતું. જેમના અંતિમ સંસ્કાર પણ એકસાથે ખોખરા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. વૃદ્ધના મોત બાદ ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધાનું પણ મોત થયું હતું. સાથે જીવ્યા અને એકસાથે જ સંસારમાંથી વિદાય લીધી હોય તેવી જવલ્લે જ જોવા મળતી આ ઘટના અમરાઇવાડીમાં જોવા મળી હતી.
અમરાઇવાડીમાં વિવેકનગરમાં રહેતા 84 વર્ષના લક્ષ્મીકાંત વ્યાસ એએમસીની ગોમતીપુર શાળાના આચાર્ય રહી ચૂક્યા હતા. અને તેઓ નિવૃત જીંદગી જીવતા હતા. તેઓ મૂળ કડી તાલુકાના નરસિંગપુરા ગામના વતન છે. પરંતુ છેલ્લા 60 વર્ષથી અમદાવાદમાં રહેતા હતા. આ અંગે લક્ષ્મીકાંતના પુત્ર પરેશ વ્યાસના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરે 1 વાગ્યે તેઓ કુદરતી મૃત્યું પામ્યા હતા.
તેઓને અંતિમ સંસ્કાર માટે ખોખરા સ્મશાનમાં લઇ ગયા બાદ ઘરેથી ફોન આવ્યો હતો કે બા પણ મૃત્યું પામ્યા છે. 87 વર્ષના જયાબેન પતિના મૃત્યું બાદ પંદરેક મિનિટમાં જ તેમની સાથે અનંતની યાત્રાએ નીકળી ગયા હતા.
પતિના અવશાન બાદ પતિને સ્મશાને લઇ ગયા બાદ જયાબેને તેમની પુત્રવધુને જણાવ્યું હતું કે ‘ બેટા હવે ત્યારે મારી પણ આખરી વિદાયની તૈયાર કરો ‘અને તે કહેતાની સાથે જ જયાબેનનું પણ મોત થયું હતું.
પુત્રવધુ હેતલે જણાવ્યું હતું કે સસરાને તેમણે પંદર મિનિટ પહેલા જ કાંધ આપી હતી અને તરત જ સાસુને પણ આખરી વિદાય આપવી પડી છે. ન્યુઝિલેન્ડમાં રહેતા પૌત્ર ઉમંગને પણ દાદા-દાદીના આખરા દર્શન મોબાઇલના માધ્યમથી કરાવવામાં આવ્યા હતા. હદયદ્રાવક આ ઘટનાએ લોકોની આંખમાં આસુ લાવી દીધા હતા. ખોખરા સ્મશાનગૃહમાં બંને વૃદ્ધ દંપતિના શાસ્ત્રોક્ત વિધી મૂજબ અંતિમસંસ્કાર કરાયા હતા.