મુંબઈ: કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે ત્યારે લોકો ઓક્સીજનની અછતના કારણે ટપોટપ મરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં કોરોના દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટે લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે મુંબઈના પાસ્કલ સલધના જેવા લોકોના કારણે આજે પણ માનવતા તરફ લોકોનો વિશ્વાસ અડીખમ છે. વ્યવસાયે મંડપ ડેકોરેટર પાસ્કલની પત્નીની બંને કિડની ફેલ થઇ ગઈ હોવાથી ફરજિયાત ડાયાલીસીસ કરાવવું પડે છે. શહેરમાં મહામારીને જોઈને પાસ્કલની પત્નીએ દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન આપવાની વિનંતી કરી હતી.
ANI સાથે વાતચીતમાં પાસ્કલે જણાવ્યું હતું કે, હું 18 એપ્રિલથી વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ કરી રહ્યો છું. તેણે વધુમાં કહ્યું કે અત્યારની દુઃખદ ઘડીમાં મારી સેવાઓ વિના મૂલ્યે છે. તેમ છતાં કેટલાક લોકો બીજાને મદદ કરવા પૈસા આપે છે.
પાસ્કલની પત્ની છેલ્લાં પાંચ વર્ષથી ડાયાલીસીસ પર છે. તેને વારંવાર હોસ્પિટલે જવું પડે છે. હાલમાં પાસ્કલની પત્ની ડાયાલિસિસ અને ઓક્સિજન સપોર્ટ પર છે અને તેથી દંપતી પાસે હંમેશા ફાજલ સિલિન્ડર હોય છે. શહેરમાં વાયરસના ફેલાવા સાથે ઓક્સિજન સિલિન્ડરો માટે SOS મેસેજ વધ્યા છે. આવી સ્થિતિમાં પાસ્કલ પાસે એક દિવસ શાળાના મહિલા આચાર્યએ તેના પતિ માટે ઓક્સિજન સિલિન્ડર માંગ્યું હતું.
આચાર્યની વિનંતી બાદ પાસ્કલએ ફાજલ સિલિન્ડર આપી દીધા હતા. આ દરમિયાન ઓક્સિજન સિલિન્ડર અને કેનની વધારે માંગને ધ્યાનમાં લેતા પાસ્કલની પત્નીએ તેને વધુ લોકોની મદદ કરવા વિનંતી કરી હતી. આ સેવા કાર્ય માટે તેણે પત્નીના ઘરેણાં વેચી દીધા હતા. જેમાંથી રૂ. 80,000 ઉપજ્યા હતા. આ પૈસા વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડરના વિતરણનો વ્યવસાય શરૂ કરવા વાપરવામાં આવ્યા હતા.
કોરોના મહામારીના કપરા સમયમાં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ સાહસિકો અને સોનૂ સૂદ જેવા કલાકારો દર્દીઓને પડખે ઊભા રહ્યા છે. જે લોકો પાસે પૂરતા આરોગ્ય સાધનો નથી તેમને મદદ પહોંચાડવામાં આવી રહી છે. દવાઓ, ઓક્સિજન સિલિન્ડર સહિતની બાબતોમાં મદદ થઈ રહી છે. આવી સ્થિતિમાં પાસ્કલે લોકોએ પણ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સેવા માટે ધનવાન હોવાની જરૂર નથી, તેવો દાખલો બેસાડયો છે.