રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં હરાજી ચાલુ છે. અહીં રોજ 500થી વધુ ખેડુતો કપાસ વેચવા આવે છે. અને 22 હજાર મણ કપાસની આવક થાય છે પરંતુ તેની સામે તેમને પુરતા ભાવો ન મળતા ખેડુતોમાં સરકાર સામે વિરોધ જોવા મળી રહ્યો છે.
ખેડુતોને મણદિઠ માત્ર 900થી 930 જેટલાજ ભાવ મળે છે તો બીજી બાજૂ ખેડુતોનું કહેવુ છે કે તેમને મણદિઠ 1000 રૂપિયા ભાવ મળેતો જ પુરતા ભાવ મળ્યા કહેવાય સરકાર ખોટા વાયદાઓ કરી અમારી મશ્કરી કરે છે.
આ અંગે સૌરાષ્ટ્ર ખોળ કપાસ એશો.ના પ્રમુખે જણાવ્યુ હતુ કે પહેલા વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે કપાસના ટેકાના 1300 રૂપિયા ભાવ મળતા હતા તો પણ કહેતા હતા કે ટેકાના 1500 રૂપિયા ભાવતો મળવાજ જોઇએ. જયારે અત્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે ત્યારે ફકત 930 રૂપિયા ટેકાના ભાવ મળે છે.
ખેડુતોને ટેકાના ભાવ આપતુ સીસીઆઇ કેન્દ્ર પણ તૈયાર કરાયુ નથી. આમ કપાસના ઓછા ભાવથી ખેડુતો પરેશાન છે અને આખુ વર્ષ તનતોડ મહેનત કરવા છતાં પુરતા ભાવ ન મળતા તેમણે ન છુટકે આત્મહત્યાના પગલે વળવુ પડે છે.