રાજકોટઃ રાજકોટ શહેરની મધ્યસ્થ જેલમાં રહેલા લખન વિક્રમ કમેજડિયા નામનો 25 વર્ષીય યુવાને મંગળવારે રાત્રે 11 વાગ્યે જેલમાં કાચ ખાઈ લેતા તેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, દુષ્કર્મનો આ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.
લખનને સારવાર માટે સિવિલ હૉસ્પિટલના પ્રિઝનર વોર્ડ ખાતે રાખવામાં આવ્યો હતો. લખન ઉપર પોલીસનો જાપ્તો પણ ગોઠવવામાં આવ્યો હતો. બુધવારની સાંજે કેદી લખનને નર્સ બાટલો ચડાવીને નીકળી હતી. થોડીવાર બાદ જાપ્તાની પોલીસે તપાસ કરતા લખન જોવા મળ્યો ન હતો.
અંતે કેદી લખન ભાગી ગયાની પોલીસ ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે કેદી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પ્રદ્યુમનનગર પોલીસે નાસી ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લખન વિરુદ્ધ વર્ષ 2015માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. તેમાં જે તે સમયે તે જેલમાં પણ ધકેલાયો હતો. પરંતુ કોર્ટની મુદતે લખન હાજર નહીં થતો હોવાથી કોર્ટે તેની સામે ધરપકડ વૉરંટ કાઢ્યું હતું. જે અંતર્ગત પોલીસે તેની ધરપકડ કરી તેને ફરીથી જેલ હવાલે કર્યો હતો. હાલ કેદી નાસી જતા જાપ્તા પરના પોલીસ સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય તપાસ થઈ શકે છે તેવા એંધાણ મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે ભૂજની હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા નાસી છૂટયો હતો. ભુજ તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને એટીએસના સંયુક્ત ઓપરેશનથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે કિસ્સામાં પણ જાપ્તામાં રહેલી પોલીસ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. જે અંતર્ગત તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.