અમદાવાદઃ શહેરના રાણીપ વિસ્તારમાં એક વૃદ્ધ સાયકલ પરથી પડી જતા ત્યાંથી પસાર થતા એક શખશે આ વૃદ્ધ ને ઉભા કરવાની જગ્યાએ વાગ્યું તો નથી ને તેવી વાતો કરી તેમનો ફોન નજર ચૂકવી ચોરી લીધો હતો. આ દરમિયાન ચાંદખેડા પોલીસે એક આરોપીની ધરપકડ કરતા વૃદ્ધનો ફોન મળ્યો હતો અને આ અંગે વૃદ્ધને જાણ કરાઇ હતી. જે બાદ વૃદ્ધે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી..
શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા રામસેવક રાઠોર શાહપુરમાં સોડાની લારી ધરાવી વેપાર કરે છે. તેમની પુત્રી એક જગ્યાએ નોકરી કરતી હોવાથી તેના શેઠે તેને એક ફોન આપ્યો હતો. જેનો ઉપયોગ આ રામસેવક કરતા હતા. ગત 6 માર્ચના રોજ તેઓ લારી બંધ કરીને તેમના ઘરે જતા હતા. સાયકલ લઈને તેઓ સુભાસબ્રિજ સર્કલ પાસે પહોંચ્યા હતા. ત્યારે બાઇક પર સવાર લોકો એ રામસેવકની સાયકલને કટ મારી પસાર થતા તેઓએ સંતુલન ગુમાવ્યું અને રોડ પર પટકાયા હતાં.
ત્યારે ત્યાંથી પસાર થતા એક યુવકે રામસેવકને ઉભા કરી કાકા કાંઈ વાગ્યું છે તેવું પૂછ્યું હતું. રોડ પર પટકાતા રામસેવકે સંતુલન ગુમાવ્યું હોવાથી તેમનું મગજ કામ કરતું ન હતુ. જેથી તેમણે આ યુવકને કહ્યું કે, સામાન્ય વાગ્યું છે. જાતે ઘરે જતા રહેશે. બાદમાં રામસેવક ઘરે ગયા ત્યારે ઉપરના ખિસ્સામાં મુકેલો ફોન જણાયો ન હતો. જેથી તેઓએ ફોન પડી ગયો હોવાનું માન્યું હતું.
આ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન તરફથી તેઓને ફોન આવ્યો કે, તેમનો ફોન મળ્યો છે અને એક ચોર પોલીસે પકડ્યો છે. જેથી ત્યાં જઈને જોયું તો પકડાયેલા ચોર પાસેથી મળેલો ફોન તેમનો જ હતો. જેથી તેઓએ રાણીપ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. બીજીતરફ ચાંદખેડા પોલીસે સચિન પટણી નામના આરોપીની ધરપકડ કરી મોબાઈલ ફોન ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.