નવી દિલ્હીઃ કોરોના વાયરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા ચોંકાવનારા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે નિવેદનમાં જણાવ્યું કે, કોવિડ -19ના રોજિંદા નવા કેસોમાં 74.15 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત કુલ દસ રાજ્યોના છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિળનાડુ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના 12 રાજ્યોમાં દૈનિક કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ -19 ના 3,46,786 નવા કેસોના આવવાની સાથે સંક્રમણના કુલ કેસો 1,66,10,481 પર પહોંચી ગયા છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 25 લાખને પાર થઇ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આઠ વાગ્યે જારી કરેલા અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ આંકડા મુજબ, એક જ દિવસમાં 2,624 ચેપગ્રસ્ત લોકોના મોતને કારણે મૃત્યુની સંખ્યા વધીને 1,89,544 થઈ ગઈ છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દેશમાં સંક્રમણના કુલ કેસોમાં 74.15 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિળનાડુ, ગુજરાત અને રાજસ્થાનના છે.
ઉપચારાધીન 66.66 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત અને કેરળના છે. મંત્રાલયે કહ્યું કે, કોવિડ -19ના 13.83 કરોડથી વધુ ડોઝ દેશના લોકોને આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, દેશમાં પહેલી મેથી શરૂ થનારા ત્રીજા તબક્કાના ટીકાકરણ અંગે કેન્દ્ર સરકારે રાજ્યો માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. આ દિશા નિર્દેશમાં રાજ્ય સરકારોને જણાવવામાં આવ્યું છે કે, વધુમાં વધુ વેક્સીન સેન્ટરો શરૂ કરી મોટા પ્રમાણમાં લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવે. જે હૉસ્પિટલોએ વેક્સીન ખરીદી છે તેના પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે.