મંગળવાર, 27 એપ્રિલના રોજ ચૈત્ર મહિનાની પૂનમ તિથિ છે. આ તિથિએ હનુમાનજીનો પ્રાકટ્યોત્સવ ઊજવવામાં આવશે. ત્રેતાયુગમાં હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂનમના રોજ જ થયો હતો. આ દિવસે હનુમાનજીનો વિશેષ શ્રૃંગાર કરવો જોઈએ. તે પછી 28 એપ્રિલથી ચૈત્ર મહિનાનો વદ પક્ષ શરૂ થઈ જશે. ચૈત્ર પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ દિવસે વ્રત-ઉપવાસ પણ રાખવામાં આવે છે. સવારે જલ્દી જાગી જવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો. તેના માટે તાંબાના લોટામાં જળ ભરો અને તેમાં કંકુ ચોખા રાખીને સૂર્યને ચઢાવો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ચૈત્ર પૂનમના દિવસે ભગવાન વિષ્ણુની પણ વિશેષ પૂજા કરવી જોઈએ. આ દિવસે તીર્થ સ્નાન, દાન, વ્રત અને વિષ્ણુ પૂજાથી જાણ્યે-અજાણ્યે કરેલાં પાપનો પ્રભાવ દૂર થાય છે. જે લોકો ચૈત્ર પૂનમના દિવસે ધર્મ-કર્મ કરે છે, તેમના ઘરમાં સુખ-શાંતિ અને સફળતાનો વાસ થાય છે. આ તિથિએ રાતે ચંદ્ર સોળ કળાઓમાં દેખાય છે. જે લોકો પૂનમનું વ્રત કરે છે, તેઓ એક સમયે ભોજન કરે છે. પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે. કથાનો પાઠ કોઇ બ્રાહ્મણ પાસે કરાવવો જોઈએ.
