અમદાવાદઃ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ વધી રહી છે. ત્યારે ગઠિયાઓ લોકોને છેતરવા માટે અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. રેમડેસિવીરનો કાળા બજાર પણ થઈ રહ્યો છે. ત્યારે હવે રેમડેસિવીર ઇન્જેક્શન બાબતે ઓનલાઈન છેતરપિંડી પણ થવા લાગી છે. આવી જ એક ઘટના અમદાવાદમાં રહેતા મેનેજર સાથે બની હતી. ઓનલાઈન રેમડેસિવીર ઇન્જેક્શન લેવા જતા મેનેજર યુવક છેતરાયો હતો. જોકે, આ કેસમાં સાઇબર ક્રાઈમે એક યુવકની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા અશોકભાઇ મુદલિયાર આનંદ નગર ખાતે આવેલી એક કંપનીમાં ઓફીસ મેનેજર તરીકે નોકરી કરે છે. 14 એપ્રિલના રોજ કંપનીના ડાયરેક્ટરની તબિયત ખરાબ થઈ હતી અને કોરોનાનો રીપોર્ટ કઢાવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ તેઓને હોમક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. ડાયરેક્ટર ની સારવાર સેટેલાઈટ ખાતે આવેલી એક હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી. જોકે તેઓની તબિયત વધુ ખરાબ હતા ડોક્ટરના અભિપ્રાય મુજબ રેમડેસીવીર ઇન્જેક્શન લાવી આપવા જણાવવામાં આવ્યું હતું. જેથી અશોકભાઈએ અલગ અલગ જગ્યા ઉપર તપાસ કરી હતી પરંતુ તેઓને આ ઇંજેક્શન મળ્યા ન હતા.
તે વખતે ફેસબુકમાં એક ગ્રુપમાં તેઓએ ઇન્જેક્શન મેળવવા બાબતે એક પોસ્ટ જોઈ હતી. જેમાં ઝાયડ્સ, કેડીલા, સિપ્લા જેવી ફાર્માસ્યુટિકલ કંપનીના નામથી ઇંજેક્શન મળશે તેવું લખ્યું હતું અને તેમાં એક વોટ્સએપ નંબર આપેલો હતો. જેથી તેઓએ આ નંબર ઉપર ફોન કરતાં સામે વાળી વ્યક્તિએ પોતે કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને બાદમાં ડોક્ટરનું પ્રિસ્ક્રીપશન, દર્દીનું આધારકાર્ડ અને કોરોના નો રિપોર્ટ મોકલવા જણાવ્યું હતું. જેથી અશોકભાઈએ આ બધું મોકલી આપ્યું હતું અને ત્યારબાદ વાતચીત કરતા ઇન્જેક્શન નો ભાવ 3000 એમ છ ઇન્જેક્શનના 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
બાદમાં તેઓએ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યું હતું અને પૈસા તે વ્યક્તિને મોકલી આપ્યા બાદ ઇન્જેક્શન ઘરે પહોંચી જશે તેવું કહ્યું હતું. જોકે ઇન્જેક્શન ન મળતાં બાદમાં તે નંબર ઉપર ફોન કરતા અશોકભાઈ નો નંબર બ્લોક કરી દીધો હતો. જેથી તેઓને ઇન્જેક્શન ન મળતાં તેઓએ આ અંગે પોતાના રૂપિયા ગયા હોવાથી સાયબર ક્રાઈમને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સાઇબર ક્રાઇમની ટીમે આ નંબરનું ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી આરોપીનું લોકેશન મધ્યપ્રદેશના રિયા જિલ્લામાં આવતું હોવાથી મધ્યપ્રદેશ પોલીસને જરૂરી લાઇઝનીંગ કરી આપતા મધ્યપ્રદેશ પોલીસે અભિષેક ગૌતમ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
આ આરોપીએ પોતે ઝાયડસ હોસ્પિટલ ના ડોક્ટર હોવાની ઓળખ આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ મેસેજ દ્વારા બીજા છ થી સાત અમદાવાદના લોકો સાથે આ જ પ્રકારનો ફ્રોડ થયો છે. જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીને મધ્યપ્રદેશથી લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.