અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગર માં અલગ અલગ 4 હત્યાને અંજામ આપનાર સિરિયલ કિલર મદન નાયક ધરપકડ બાદ જેલમાં હતો અને તેનો કોરોના પોઝિટિવ આવતા સમરસ હોસ્ટેલ ખાતે સારવાર ચાલી રહી હતી. સીરીયલ કિલર મદન નાયક એ કોવિડ હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યારા મદન નાયકએ સાતમા માળેથી સળિયા તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સમય સૂચકતા એ આરોપીને ઝડપી પાડી ગુજરાત યુનિવર્સિટી પોલીસે સિરિયલ કિલર પર ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો એવી છે ઓઢવ પોલીસસ્ટેશન માં ફરજ બજાવતા પીએસઆઇ એમ.આર.ઝાલાની સમરસ હોસ્ટેલ કે જે હાલ કોવિડ કેર સેન્ટર બનાવાયું છે ત્યાં ફરજ પર હતા. તેઓની સાથે અન્ય પીએસઆઇ અને સ્ટાફ હાજર હતો. ત્યારે હોસ્ટેલના સાતમા માળે કુલ 26 આરોપીઓ કેદી જાપતા હેઠળ હતા. દરેક રૂમમાં બે આરોપીઓને રાખવામાં આવ્યા હતા.
ત્યારે આરોપી સૂફી સિપાહી ને ઓક્સિજન લેવલની સમસ્યા થતા તેઓને ત્રીજા માળે ડોકટર પાસે તપાસ માટે લઈ જવાયો હતો. ત્યાર બાદ તેને ત્રીજા માળે સારવાર માટે રાખવા માટે હેડક્વાર્ટર માં જાણ કરાઈ હતી. ત્યારે વધુ સ્ટાફ માંગવામાં આવ્યો હતો પણ મોડી રાત હોવાથી હાલ સ્ટાફ ન મળે તેમ હોવાનું જણાવી હેડક્વાર્ટર તરફથી સવારે સ્ટાફ મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેથી આરોપી સૂફીની વોચમાં પોલીસ હતી અને સાતમા માળે પણ પોલીસ હાજર હતી.
બાદમાં મોડી રાત્રે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે રૂમ. નમ્બર 702માં કઈક અવાજ આવ્યો હતો. જેથી પોલીસે સુચકતા વાપરી ત્યાં જઈને જોયું તો આરોપી મદન ઉર્ફે વિશાલ નાયક કેદી નં. 869 બારીની જાળી સળિયા ઊંચા કરી ભાગવાની કોશિશ કરતો હતો.
જેથી તાત્કાલિક તેને પકડી તેને બીજા રૂમમાં તબદીલ કરી દીધો હતો. બારીની જાળી પણ ખુલી જતા આરોપી હનુમાનસિંહ ને પણ અન્ય જગ્યાએ તબદીલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આરોપી મદન સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.