દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)એ ગુરુવારે તીર્થ યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કર્યું છે. બોર્ડે ટ્વિટ કરીને જણાવ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા શ્રી અમરનાથજી યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યું છે. સાથે જ જણાવ્યું કે સ્થિતિમાં સુધાર થતા જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.અમરનાથ તીર્થ યાત્રા જે ગત વર્ષે કોરોના મહામારીના કારણે રદ કરી દેવામાં આવી હતી, તે આ વર્ષે 28 જૂનથી શરૂ થવાની છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થયું હતું. ગત વર્ષે કોરોના વાઇરસ મહામારીના કારણે અમુક સાધુઓએ જ યાત્રા કરી હતી, જ્યારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાના ત્રણ દિવસ પહેલા જ એટલે કે બે ઓગસ્ટે આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખી યાત્રાને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી.ગત મહિનાની શરૂઆતમાં આયોજિત એક બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતુ કે તમામ કોવિડ-19 પ્રોટોકોલ લાગૂ છે અને સરકાર દ્વારા જારી SOPનું પાલન કરવામાં આવશે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નીતિશ્વર કુમારે જણાવ્યું કે બંને માર્ગો માટે રજિસ્ટ્રેશન દેશમાં 446 બેંક શાખાઓના માધ્યમથી 1 એપ્રિલના રોજથી શરૂ થશે, જેમાં પંજાબ નેશનલ બેંક (316), જમ્મુ-કાશ્મીર બેંક (90) અને યસ બેંક (40)ની શાખા સામેલ છે.
