મુંબઈઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોની હાલત દયનિય બનતી રહે છે. લોકો ઓક્સીજનની અછતના કારણે મરી રહ્યા છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓ પણ ઓક્સીનની સેવા માટે આગળ આવી છે. તો મુંબઈનો ઓક્સીજન મેન અત્યારે ચર્ચામાં છે. મુંબઈમાં ઑક્સીજનની અછતના ન્યૂઝ વચ્ચે એક વ્યક્તિ નિસ્વાર્થ ભાવ દર્દીઓને ઑક્સીજન પહોંચાડી રહ્યો છે. લોકો તેને ‘ઑક્સીજન મેન’ તરીકે જ ઓળખે છે. એક સમયે તેણે લોકોની મદદ કરવા માટે પોતાની 22 લાખ રૂપિયાની SUV કાર પણ વેચી દીધી હતી.
શાહનવાઝ શેખ મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે. શાહનવાઝ ફોન કૉલ પર લોકોને ઑક્સીજન સિલિન્ડર પહોંચાડે છે. હાલ જ્યારે ઑક્સીજનની માંગ વધી છે ત્યારે શાહનવાઝ અને તેની ટીમે એક “કંટ્રોલરૂમ” બનાવ્યો છે. જ્યાં લોકો ફોન કરી શકે છે અને બાદમાં તે લોકોને સિલિન્ડર પહોંચાડે છે.
શાહનવાઝને લોકોની સેવા કરવાની એવી ધૂન લાગી છે કે તેણે થોડા મહિનાઓ પહેલા કોરોના દર્દીઓની મદદ કરવા માટે તેની 22 લાખ રૂપિયાની SUV કાર વેચી નાખી હતી. પોતાની ફોર્ડ એન્ડેવર કાર વેચ્યા બાદ શાહનવાઝે તે રકમમાંથી 160 ઑક્સીજન સિલિન્ડર ખરીદ્યા હતા. શાહનવાઝે જણાવ્યું હતું કે, ગત વર્ષે લોકોની મદદ કરતાં કરતાં તેની પાસે પૈસા ખૂટી ગયા હતા. આ જ કારણે તેણે પોતાની કાર વેચી દેવી પડી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં શાહનવાઝે જણાવ્યું હતું કે, ગત વર્ષે તેના એક મિત્રની પત્નીનું ઓટો રિક્ષામાં ઑક્સીજનના અભાવે મોત થયું હતું. આથી તેણે ઑક્સીજન સપ્લાય એજન્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. લોકોને સમયસર મદદ મળી રહે તે માટે શાહનવાઝે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત તેણે પોતાનો કંટ્રોલરૂમ પણ બનાવ્યો છે.
શાહનવાઝ જણાવે છે કે કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં સ્થિતિમાં ખૂબ અંતર છે. હવે હાલત ખૂબ ગંભીર છે. આ જાન્યુઆરીમાં તેને ઑક્સીજન માટે 50 કૉલ આવ્યા હતા. હવે તેને દરરોજ 500-600 કૉલ આવી રહ્યા છે.
શાહનવાઝ અને તેની ટીમે 4,000 જેટલા લોકોને ઑક્સીજન સિલિન્ડર પહોંચાડીને તેમની મદદ કરી છે. શાહનવાઝની ટીમ ખાલી સિલિન્ડર જ નથી પહોંચાડતી, લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ માહિતી આપે છે. એક વખત સિલિન્ડર ખાલી થયા બાદ દર્દીના પરિવારજનો તેના કંટ્રોલરૂમ ખાતે પરત મૂકી જાય છે.