નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ફેલાવો દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે દેશની હાલત ખુબ જ દયનિય બની રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં 24 કલાકમાં જ કોરોના વાયરસના નવા 3 લાખ 15 હજાર 478 કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, 2021ના રોજ 3,07,570 સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2,101 લોકોનાં મોત થયા હતા. બુધવારે રેકોર્ડ 1 લખા 79 હજાર 372 લોકો સાજા પણ થયા છે. કોરોનાને પગલે દેશમાં અત્યારસુધી 1 લાખ 84 હજાર 672 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી કોરોનાથી કુલ સંક્રમિત સંખ્યા વધીને 1 કરોડ 59 લાખ 24 હજાર 732 થઈ છે. દેશમાં હાલ 24 લાખ 84 હજાર 209 દર્દીની સારવાર ચાલી રહી છે. આ સંખ્યા કુલ સંક્રમિતના 14.3 ટકા છે.
મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત દેશના 11 રાજ્યમાં હાલત બેકાબૂ બની રહી છે. આ રાજ્યમાં રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 62,097, ઉત્તર પ્રદેશમાં 29,574, દિલ્હીમાં 28,395, કેરળમાં 19,577, કર્ણાટકમાં 21,794, છત્તીસગઢમાં 15,625, રાજસ્થાનમાં 12,201, મધ્ય પ્રદેશમાં 12,727, ગુજરાતમાં 12,206, તામિલનાડુમાં 10,986, બિહારમાં 10,455 લોકો કોરોના સંક્રમિત થાય છે.
કોરોના સંક્રમિત લોકોનો સ્વાસ્થ્ય રેટ ઘટીને 84.5 ટકા થયો છે. આંકડાઓ પ્રમાણે આ બીમારીથી સાજા થનાર લોકોની સંખ્યા વધીને 1,34,47,040 થઈ છે. રાષ્ટ્રીય સ્તરે કોરોનાથી મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે, પરંતુ મહારાષ્ટ્રમાં તે 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે.