રાંચીઃ કોરોના વાયરસ નાના માણસોથી લઈને મોટા માણસોને પણ પોતાના ઝપેટમાં લઈ રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં સચિન તેન્ડુલકરને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા બાદ હવે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના માતા-પિતાને પણ કોરોનાએ ઝપેટમાં લીધા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના માતાપિતા કોરોના સંક્રમિત થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના સારવાર માટે રાંચીની પલ્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ધોનીના પિતા પાનસિંહ અને તેમના માતા દેવિકા દેવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
મહેન્દ્રસિંહ ધોની હાલ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. આ કારણ સરકાર લૉકડાઉનની જાહેરાત પણ કરી ચૂકી છે.
ઝારખંડમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,71,315 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 5,080 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ 1,37,590 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 2,334 લોકો સાજા થયા છે. કોરોનાથી ઝારખંડમાં અત્યારસુધી કુલ 1,547 લોકોનાં મોત થયા છે. ચેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં 45 લોકોનાં મોત થયા છે.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાચસના આશરે ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેસમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં જ 2020 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 1.66 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોના વાયરસથી હાલ દેશમાં 1.56 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 1.32 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસના કુલ મોતનો આંકડો 1.82 લાખને પાર થઈ ગયો છે. હાલ દેશમાં 21.50 લાખ સક્રિય દર્દીઓ છે.
દૈનિક મોતના કેસમાં ભારત ફરી એકવાર વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા નંબર પર અમેરિકા છે. બ્રાઝીલમાં હાલ દૈનિક 1,500 લોકોનાં મોત થઈ રહ્યા છે. જ્યારે અમેરિકામાં દૈનિક 400-500 લોકોનાં મોત થઈ રહ્યા છે. મંગળવારે ભારતમાં 2020 લોકોનાં મોત થયા છે.