ગાંધીનગર: ગુજરાત સરકારે મા કાર્ડની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. નાયબ મુખ્યમંત્રીના ટ્વીટ પ્રમાણે જે લોકોના મા કાર્ડની મુદ્દત 31 માર્ચના રોજ પૂરી થઈ ગયેલી છે તેમનું કાર્ડ વધુ ત્રણ મહિના માન્ય રહેશે. એટલે કે હવે તેમનું કાર્ડ 30 જૂન સુધી માન્ય રહેશે.
નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે, “જે નાગરિકોના મા કાર્ડની મુદ્દત તા. ૩૧.૦૩.૨૦૨૧ના રોજ પૂરી થઇ છે, તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની સર્વેએ નોંધ લેવી.”
ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયથી આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. આ સાથે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડ્યે કોઈપણ હૉસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે.
કોરોના મામલે થયેલી PILની સુનાવણી કરતા 12 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની તતડાવી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. જેમ કે, રેમડેસિવિર ઈજેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્વેક્શન કેમ નથી મળી શકતાં?
હૉસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર 40 એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે? આવા સવાલો કરીને હાઈકોર્ટે તુરંત આકરાં પગલાં લેવા સરકારને તાકીદ કરી હતી.